રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેની પણ માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થયુ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
17 ઓગસ્ટના રોજ ફરી વરસાદની તીવ્રતા વધી જશે. જેથી બનાસકાંઠા, આણંદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ પડશે.
19 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, સુરત, નવસારી, કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે પાણી ભરાઇ જવા, રોડ ડેમેજ થવા તેમજ વિઝિબિલિટી ઓછી થવાના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ત્યારે અતિભારે વરસાદની આગાહી હોવાથી લોકોને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
17 ઓગસ્ટના સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 4 ઈંચ વરસાદ ગીરસોમનાથના તાલાલામાં નોંધાયો છે. જ્યારે ડાંગના ડાંગના વધઈ, નવસારીના વાંસદા અને તાપીના ડોલવણમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપીના વાલોદસ ડાંગના આહવા, સુરતના મહુવા અને માંડવીમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી, તાપીના વ્યારા, સુરતના બારડોલી અને પાલસણા, વલસાડના ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના કામરેજ, જામનગરના જોડિયા, નવસારીના ચીખલી તથા ગણદેવી અને બનાસકાંઠાના અમીરગઢમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.