

દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ આજે વહેલી સવારે સોમનાથ મહાદેવ (Somnath Mahadev)નાં દર્શન કર્યાં હતા. અહીં તેમણે તત્કાલ મહાપૂજા કરીને ધ્વજા રોહણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જર્જરિત નેશનલ હાઇવે (National highway) મામલે કેન્દ્રમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી. સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આવવાથી સોમનાથનો વિશેષ વિકાસ થશે તેવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.


વિજયભાઈ રૂપાણી હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. દ્વારકા, પોરબંદર, કેશોદ બાદ ગઈકાલે ઉનાનાં નવાબંદર ખાતે 295 કરોડનાં ખર્ચે આકાર પામવા જઈ રહેલી યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબની અત્યાધુનિક જેટીનાં નિર્માણનું ખાતમુહૂર્ત કર્યા બાદ રૂપાણીએ સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે વહેલી તેમણે સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધ્વજા ચઢાવી હતી.


સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં નવા અધ્યક્ષ બનેલા પીએમ મોદીને શુભેચ્છા સાથે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "નરેન્દ્રભાઈ હવે જ્યારે સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા છે ત્યારે કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરની જેમ સોમનાથ મહાદેવનો પણ ડંકો દેશ વિદેશમાં વિશેષ રૂપે વાગશે. સોમનાથનો અદભૂત વિકાસ થશે. નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ હોવાનો લાભ સોમનાથ મંદિરને અને ગીર-સોમનાથ જિલ્લાની જનતાને મળશે."


ઉલ્લેખનીય છે કે સોમનાથ-ભાવનગર ફોર ટ્રેક નેશનલ હાઇવેનું કામ હાલ કાચબાની ગતિએ થઈ રહ્યું છે. બીજી તરફ નેશનલ હાઇવે લાંબા સમયથી જર્જરિત બન્યો છે. આ કારણે સ્થાનિક અને પ્રવાસીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ મામલે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કેન્દ્ર સરકારમાં રોડ-રસ્તા બાબતે વારંવાર રજુઆત કરવામા આવી રહી છે. પ્રવાસીઓને સારા રોડ રસ્તા મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવાની સીએમ રૂપાણીએ આશા વ્યક્ત કરી હતી. તો સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી સોમનાથનો વિશેષ વિકાસ થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.