Bhavesh Vala, Gir-Somnath: ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરી (Kesar Mango farming)નું વાવેતર કરતાં ખેડૂતો હવે ઇઝરાયેલી પદ્ધતિ (Israeli system)થી આંબાનું વાવેતર કરતા થયા છે કેમ કે આ પદ્ધતિથી પરંપરાગત ખેતી કરતા વધુ ફાયદા થાય છે તેમ નિષ્ણાતો જણાવે છે. કેસર કેરીનાં ઉત્પાદન તરફ નજર નાંખીએ તો વર્ષ 2020- 21માં 13873 હેક્ટરમાં કેરીનું વાવેતર હતું.
દર વર્ષે 59654 મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. પરંપરાગત પદ્ધતિથી એક વીઘા જમીનમાં 20 જેટલી આંબાના ઝાડનું વાવેતર થાય છે. પણ તાલાલા (Talala)માં સાસણ રોડ પર 132 કેવીની સામે આવેલા સેન્ટર ફોર એક્સેલન્સ ઓફ મેંગો (Centre for Excellence of Mango) દ્વારા ઇઝરાયલી પદ્ધતિથી એક વીઘા જમીનમાં 170 જેટલા આંબાના ઝાડનું વાવેતર કરવામાં આવે છે.
સેન્ટર ફોર એક્સીલેન્સ ઓફ મેંગો તાલાલાનાં બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત વી.એચ. બારડે News18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સેન્ટર ખાતે મુખ્યત્વે કેસર કેરીનું સંશોધન કરવામાં આવે છે. ઉપરાંત કેન્દ્રમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. અહીં ઇઝરાયેલ ઘનિષ્ઠ પદ્ધતિથી નૂતન કલમ તૈયાર કરવામાં આવે છે. જે 10 બાય 10 ફૂટના અંતરે વાવેતર કરી શકાય છે. આ ઘનિષ્ઠ પદ્ધતિથી એક વીઘા જમીનમાં 170 જેટલા આંબાના ઝાડનું વાવેતર કરી શકાય છે.
આ કલમ સેન્ટર ખાતે રૂપિયા 80માં વેચાણ કરવામાં આવે છે. ગવર્મેન્ટ બીલના આધારે સબસીડી ને પાત્ર પણ છે. નૂતન કલમ 2 બાય 2 નો ખાડો કરી તેનું વાવેતર કરી શકાય છે. નૂતન કલમ નેટ હાઉસમાં તૈયાર કરવામાં આવે છે. સેન્ટર ખાતેથી ચાલુ વર્ષે 25 હજાર તો અત્યાર સુધીમાં 70 હજાર કલમનું વેચાણ કરાયું છે. ઇઝરાયેલ ઘનિષ્ટ પદ્ધતિથી વાવેતર કરેલ આંબામાં પાંચ વર્ષ પછી દર વર્ષે 20 થી 25 કિલ્લો કેરીનું ઉત્પાદન થાય છે. જૂની પદ્ધતિમાં એક વીઘામાં 20 જેટલા આંબાના ઝાડનું વાવેતર થાય છે. અને તેનું ઉત્પાદન 10 વર્ષ પછી થાય છે.
આ પદ્ધતિમાં સાદી કલમ હોવાથી દૂર વાવેતર કરવું પડે છે. આ આંબામાં 80 થી 100 કિલ્લો ઉત્પાદન થાય છે. ઇઝરાયેલ નુતન કલમમાં એક વિઘે 25 થી 30 હજારનો ખર્ચ થાય છે. તો જુની પદ્ધતિમાં એક કલમનો રૂપિયા 500 જેટલો ભાવ હોય છે. અને એક વીઘે 10 થી 12 હજારનો ખર્ચ થાય છે. તો જૂની પદ્ધતિમાં ભેટ કલમ તૈયાર કરવામાં આવે છે. તેનું કદ પણ મોટું હોય છે. અને ઊંચાઈ 20 થી 25 ફૂટ થાય છે. જેમ જેમ ઊંચાઈ વધે તેમ રોગ અને જીવાત નું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તો ખેતી ખર્ચ પણ વધતો જાય છે. અને કેરી ઉતારવા સમયે મજૂરી ખર્ચ પણ વધે છે.
બીજી તરફ છેલ્લા બે વર્ષથી ખેડૂતો હવે ઇઝરાયેલ ઘનિષ્ઠ પદ્ધતિ તરફ વળી રહ્યા છે. આ પદ્ધતિમાં દર વર્ષે કેરી ઉતાર્યા બાદ એનું કટીંગ કરી તેની ઊંચાઈ 10 થી 15 ફૂટ સુધી જાળવી શકાય છે. આનાથી રોગ અને જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય છે. અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. તો ખેતી ખર્ચ પણ ઘટે છે. ઇઝરાયેલ ઘનિષ્ઠ પદ્ધતિથી તૈયાર થયેલ નૂતન કલમની ખરીદી માટે ખેડૂતો તાલાલા સાસણ રોડ 132 કે.વી સામે સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓફ મેંગોનો સંપર્ક કરી શકે છે. ખેડૂત પરબતભાઇ વરૂએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ પદ્ધતિથી કેસર આંબાનું ટૂંકા ગાળે વાવેતર કરવાથી મજૂરી ખર્ચ ઘટે, ઘાસ -નિંદામણ ઓછું થાય અને કેરી ઉતારવામાં પણ સરળતા રહે છે.