

દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર વતની અને સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા જાવન અજિતસિંહ પરમારનું શંકાસ્પદ અસ્થામાં મૃત્યુ થયું છે. દિલ્હીથી રાજધાની એક્સપ્રેસમાં વડોદરા આવવા માટે નીકળેલા આ જવાનનો મૃતદેહ મધ્ય પ્રેદશમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. અગાઉ તેમનો સામાન મુંબઈ સ્ટેશન પરથી આરપીએફને મળી આવ્યો હતો.


બનાવની વિગત એવી છે કે બિહારમાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા અજિતસિંહ પરમાર 12મી નવેમ્બર રજા પર આવવા માટે નીકળઅયા હતા. દરમિયાન તેમનો કોઈ પતો ન મળતા પરિવારે 14મી નવેમ્બરે કોડિનાર પોલીસ મથકમાં ગુમ થયાની અરજી આપી હતી. તેમણે પોતાની વાગ્વદતાને ફોન પર 13મી નવેમ્બરે જણાવ્યું હતું કે હું સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીશ


દરમિયાન 14મી નવેમ્બરે રાત્રે 11.00 વાગ્યા બાદથી સવારે 8.00 વાગ્યા સુધી તેમનો કોઈ ફોન ન આવતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી. દરમિયાન ગુમ જવાનના વાગ્વદતા હિના બહેનને સવારે મુંબઈ સ્ટેશન પરથી રેલવે પોલીસનો ફોન આવ્યો હતો જેમાં તેમનો સામાન મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું.


આ દરમિયાન પરિવારે રેલવે મંત્રી પિયૂશ ગોયલને ટ્વીટ કરીને મદદ માંગી હતી ત્યારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ પર આવેલા રેલવે ટ્રેક પરથી આ જવાનનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. જોકે, શરૂઆતમાં તેમના મૃત્યુની પુષ્ટી થઈ નહોતી. અજિતસિંહ પરમાર છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી કોબરા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા. આ ઘટનાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.