

દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર વતની અને સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા જાવન અજિતસિંહ પરમારનું શંકાસ્પદ અસ્થામાં મૃત્યુ થયું છે. દિલ્હીથી રાજધાની એક્સપ્રેસમાં વડોદરા આવવા માટે નીકળેલા આ જવાનનો મૃતદેહ મધ્ય પ્રેદશમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. અગાઉ તેમનો સામાન મુંબઈ સ્ટેશન પરથી આરપીએફને મળી આવ્યો હતો. જોકે, આ મામલે એક શરમજનક બાબત સામે આવી છે. કમાન્ડો અજિતસિંહનો મૃતદેહ જે અલોટ વિસ્તારમાંથી મળી આવ્યો ત્યા પોલીસે તેમના પરિવારની રાહ જોયા વગર કે તપાસ કર્યા વગર અજ્ઞાત મૃતદેહ ગણાવી અને તેની દફનવિધિ કરી નાખી હોવાની વાત સામે આવી છે. આ મામલે અલોટ પહોંચેલા પરિવારે પીએમ રિપોર્ટ માંગતા પોલીસે ગોળ ગોળ વાત કરી હતી.


અજિતસિંહ પરમારનો પરિવાર જ્યારે અલોટ પહોંચ્યો ત્યારે તેમને સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતદેહ પરથી કોઈ ઓળખ પત્ર કે અન્ય ચીજ ન મળી આવતા અમે તેને અજ્ઞાત સમજી અને દફનવિધિ કરી હતી. જોકે, પરિવારે પીએમ રિપોર્ટ માંગ્યો તો પોલીસે પહેલાં રાહ જોવરાવી અને બાદમાં સ્પીડ પોસ્ટથી મોકલવાની વાત કરી હતી. આ મામલે પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લૂલો બચાવ કરતા કહ્યું છે કે મરણજનાર વ્યક્તિ સેનામાં હતા કે સુરક્ષા કર્મી હતા તેવો કોઈ આધાર અમને મળ્યો નહોતો.


મૃતક કમાન્ડોના સ્વજને મીડિયાને જણાવ્યું કે રેલેવે પોલીસ ફોર્સના કારણે અમને અમારા સ્વજનનો પતો મળ્યો, બાકી અમને કોઈ જાણ ન થઈ હોત પરંતુ જ્યારે અમે અલોટ પહોંચ્યા ત્યારે અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જાણ કરી કે અમે તેમની દફનવિધિ કરી નાંખી છે. જોકે, ગાઇડલાઇન મુજબ પોલીસે પરિવારની શોધ કરવી જોઈતી હતી. અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની માંગણી કરી એમાં પણ પોલીસે સ્પષ્ટ વાત કરી નથી.


બનાવની વિગત એવી છે કે બિહારમાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા અજિતસિંહ પરમાર 12મી નવેમ્બર રજા પર આવવા માટે નીકળઅયા હતા. દરમિયાન તેમનો કોઈ પતો ન મળતા પરિવારે 14મી નવેમ્બરે કોડિનાર પોલીસ મથકમાં ગુમ થયાની અરજી આપી હતી. તેમણે પોતાની વાગ્વદતાને ફોન પર 13મી નવેમ્બરે જણાવ્યું હતું કે હું સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીશ


દરમિયાન 14મી નવેમ્બરે રાત્રે 11.00 વાગ્યા બાદથી સવારે 8.00 વાગ્યા સુધી તેમનો કોઈ ફોન ન આવતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી. દરમિયાન ગુમ જવાનના વાગ્વદતા હિના બહેનને સવારે મુંબઈ સ્ટેશન પરથી રેલવે પોલીસનો ફોન આવ્યો હતો જેમાં તેમનો સામાન મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું.


આ દરમિયાન પરિવારે રેલવે મંત્રી પિયૂશ ગોયલને ટ્વીટ કરીને મદદ માંગી હતી ત્યારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ પર આવેલા રેલવે ટ્રેક પરથી આ જવાનનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, શરૂઆતમાં તેમના મૃત્યુની પુષ્ટી થઈ નહોતી. અજિતસિંહ પરમાર છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી કોબરા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા. આ ઘટનાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. દરમિયાન મૃતક જવાનના વતન ગીરસોમનાથમાં યુવાનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.