

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગઈ કાલ રાત્રીથી સોમનાથ પ્રવાસે છે. આજે સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવપૂર્વક દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથની પૂજા-અર્ચના કરી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, વિજયભાઇ રૂપાણીએ ભારતના કરોડો લોકોના શ્રદ્ધા-આસ્થાના કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ દાદાની શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષે શ્રાવણમાસમાં નિયમિતપણે સોમનાથ દાદાના દર્શન-પૂજન માટે આવતા સીએમ રૂપાણીએ સહપરિવાર સાથે સોમનાથ દાદાને શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી પાલખી યાત્રાનો પણ લાભ લીધો હતો.


સોમનાથ દાદાના પૂજન-અર્ચન અને ધ્વજારોહણ બાદ પ્રચાર મીડિયા સાથે વાતચીતમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, દર વર્ષે નિત્યક્રમ મુજબ સોમનાથ દાદાના દર્શન પૂજન માટે તેઓ આવે છે. આજે પરિવાર સાથે દર્શન-પૂજન કર્યા છે. સાથે-સાથે ગુજરાતના સાડા છ કરોડની જનતાની સુખ, સમૃદ્ધિ, સલામતી અને કલ્યાણ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. <br />મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત પ્રસંગે તેમના પત્ની અંજલિબેન રૂપાણી, પરિવારના સભ્યો સાથે પ્રવાસન નિગમના ડિરેક્ટર ઝવેરીભાઇ ઠકરાર, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, નિતીન ભારદ્વાજ, ગુણવંતભાઇ ડેલાવાળા, ઉદય કાનગડ, કિશોર કુહાડા, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતાં. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી ધનંજય દવે તથા બ્રાહ્મણગણે મુખ્યમંત્રીને પૂજા-અર્ચના કરાવી હતી. સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મુખ્યમંત્રીને શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.


ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગત રાત્રીથી સોમનાથ પ્રવાસે ગયેલા છે. સોમનાથ પહોંચતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટ અને ભાજપના આગેવાનો દ્રારા તેમનું સ્વાગત કરાયુ હતુ. ત્યારબાદ મુખ્યમંત્રીએ ગીર સોમનાથ જીલ્લા ભાજપના આગેવાનો સાથે સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સૂચિત ગેરહાજરી જોવા મળી હતી અને મીડીયાને પણ આ મિટીંગથી દુર રખાયા હતા.


આ મિટીંગમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રુપાણી, રાજકોટના નિતીન ભારદ્વાજ, રાજયસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ, પૂર્વ રાજય મંત્રી જશાભાઇ બારડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ગુજરાત રાજય બીજ નીગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર તેમજ પૂર્વ ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વહીવટીતંત્ર, અને જીલ્લાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.