

અતિ કઠીન એવી ગીરનારની રાષ્ટ્રીય આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 10 રાજ્યોમાંથી 503 સ્પર્ધક ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો.


અનેક સ્પર્ધા માં અતિ કઠીન આ સ્પર્ધા માનવામાં આવે છે કેમે કે પહેલા અંદાજીત એક કિલોમીટર દોડી બાદમાં ગીરનારની સીડી ચડવાની હોય છે જેમાં ભાઇઓ માટે અંબાજી સુધીના પાંચ હજાર પગથીયા તેમજ બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથીયા ચડી અને નિયત સમયમાં ઉતરવાના હોય છે.


વહેલી સવારે કડકડતી ઠંડીમાં સ્પર્ધકો ગીરનારને આંબવા દોટ લગાવે છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા બાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે છેલ્લા ૧૨ વર્ષથી રમત ગમત વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવે છે.


ચાલુ વર્ષે સૌથી વધુ સ્પર્ધકો મધ્યપ્રદેશના નોંધાયા છે અને ગુજરાત બીજા ક્રમે આવ્યું છે. સીનીયર તેમજ જુનીયર વિભાગમાં સ્પર્ધામાં જોડાયેલા ભાઇઓ તેમજ બહેનોનું કહેવું છે કે અમે ભલે પહાડ ચડવાની પ્રેક્ટીસ કરી નથી પણ આ સ્પર્ધામાં ભાગ લેવાનું આગવું મહત્વ છે.


અમે દોડી ને ખુબ પ્રેક્ટીસ કરી છે, તો બહેનોનું કહેવું હતું કે આજે યુવતીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે આ સ્પર્ધામાં પણ એક બીજા ને પાછળ રાખવા મહેનત કરી છે અને અમે પુરા જોમ અને જુસ્સાથી સ્પર્ધામાં ભાગ લઇ નંબર મેળવવાનો પ્રયત્ન કરીશું.


અતિ કઠીન એવી આ સ્પર્ધામાં વહેલી સવારે મેયર મજમુદારના હસ્તે સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો આ તકે જુનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા બાકી રાજ્ય સરકારના કોઈ પ્રધાન ઉપસ્થિત રહ્યા ના હતા. માત્ર સ્પર્ધકો તેમના કોચ અને શીક્ષકો જોવા મળ્યા હતા. જુનાગઢ શહેર ભાજપના એક પણ હોદેદાર દેખાયા ના હતા.


અન્ય સ્પર્ધા કરતાં સૌથી મુશ્કેલ ગણાતી ગીરનાર આરોહણ-અવરોહણની આ સ્પર્ધાને અન્ય સ્પર્ધામાં સમાવવામાં આવતી નથી, તેમ છતા યુવાનો જુસ્સા સાથે જોડાય છે.