દિનેશ સોલંકી, ગીર સોમનાથ : રાજ્યમાં રોજે રોજ આપઘાતના કેસ (Suicide Case)સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાનીના કારણે મોત વ્હાલુ કરી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District)ના ઉના (Una)થી એક રહસ્યમય આપઘાતની ઘટના સામે આવી છે. આ આપઘાત પાછળની શંકા જો સત્ય હોય તો,આ ઘટના માતા પિતા માટે ચેતવણી સામાન કહી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સાજણ નગરમાં એક યુવાને આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં એક મહત્વની વાત એ છે કે, યુવાને મહિલાનો પહેરવેશ પહેલા પહેર્યો બાદમાં ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ઉનાના સાજણ નગરમાં તરૂણ નંદવાણા નામના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા યુવાને આજે પોતાના ઘરે પોતાના રૂમમાં મહિલાનો પહેરવેશ પહેરી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. માતા-પિતાએ તેના રૂમનો દરવાજો ખોલ્યો તો, આશ્ચર્ય સાથે શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તેમણે તુરંત વ્હાલસોયા દીકરાને પાડોશીઓની મદદ લઈ નીચે ઉતારવાની તજવીજ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. યુવાનના પરિજને આ મામલે જણાવ્યું હતું કે, રૂમનો દરવાજો બંધ કરી યુવાને આપઘાત કર્યો છે. તેણે મોબાઈલ ગેમમાં કોઈ લેવલ પાર કરવાને લઈ આ પગલું ભર્યું હોવાની આશંકા છે. આ મામલે પોલીસે મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરશે તો યોગ્ય હકિકત સામે આવશે.
હવે પ્રશ્ન એ થાય છે કે, યુવાને આપઘાત કરતા પહેલા મહિલાનો પહેરવેશ કેમ પહેર્યો? આ મામલે પોલીસને પ્રાથમિત પુછપરછમાં મળતી માહિતી અનુસાર, શંકા છે કે, 16 વર્ષીય યુવાન મોબાઈલ ગેમના રવાડે ચઢી ગયો હતો, અને મોબાઈલમાં ગેમના લેવલ પ્રમાણે તેણે મહિલાનો પહેરવેશ પહેર્યો હશે, ત્યારબાદ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હશે. પોલીસે હાલમાં આપઘાત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાને મહિલાનો પહેરવેશ પહેરી આપઘાત કરતા તેના મોતનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. શું મોબાઈલ ગેમે યુવાનનો ભોગ લીધો છે? કે કોઈ ન્ય કારણ આની પાછળ જવાબદાર છે. આ દીશામાં પોલીસ તપાસ શરૂ કરશે.