

ગીર સોમનાથ : એક તરફ ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્ર દરમિયાન બળાત્કારના આંકડા રજૂ થયા હતા ત્યારે રાજ્યમાં દુષ્કર્મની ફરી ઘટના સામે આવી છે. રાજ્યના દરિયા કાંઠે આવેલા ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં એક વિકૃત આધેડે લગ્ન પ્રસંગમાં આવેલી 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચર્યુ છે. બાળાએ આ જઘન્ય કૃત્યની જાણ પોતાની માતાને કરતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે દુષ્કર્મની ફરિયાદના આધારે આધેડની ધરપકડ કરી છે.


બનાવની વિગત એવી છે, કે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કોડિનાર તાલુકાના છાછર ગામે એક બાળા મોટી બહેનના ઘરે લગ્ન પ્રસંગે આવી હતી. આ બાળા પર આધેડે બળાત્કાર ગુજાર્યો હતો.


લગ્ન પ્રસંગે આવેલી આ નિર્દોષ બાળાને સ્વપ્નેય ખબર નહીં હોય કે તેની બહેનના કાકાજી સસરાની નજર ખરાબ થઈ હતી. તે બાળાને રમવાના બહાને લઈ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યુ હતું.


પોલીસે આ ઘટનાની ફરિયાદ બાદ 55 વર્ષીય આધેડની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કર્યો હતો જ્યાં કોર્ટે તેને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. સમગ્ર ઘટનાના પગલે નાનકડા છાછર ગામમાં હાહાકાર મચી ગયો છે.


દરમિયાન આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દિન શેખે બળાત્કારના આંકડાઓ રજૂ કરી સરકારનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર 'બેટી બચાવો, બેટી પઢાઓ'ના નારા આપે છે ત્યારે હવે સરકારે જ આપેલા આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 2273 બળાત્કાર થયા છે. રાજ્યમાં દરરોજ 3-4 મહિલાઓ પર બળાત્કાર થયા છે.