ગોવિંદ કુરમુર, દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ખાતે એક યુવાનને નિર્વસ્ત્ર કરીને માર મારી વીડિયો વાયરલ (Viral Video) કરવાના પડઘા રેન્જ આઈજી (Rang IG Sandip Singh) સુધી પડ્યાં છે. આ મામલે રાજકોટ રેન્જ આઈજી જામખંભાળીયા ખાતે દોડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ખંભાળીયામાં એક યુવાનને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને મૂંઢ માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયા હતા. યુવાનને નિર્વસ્ત્ર ફેરવ્યા બાદ આરોપી તેને પોલીસ સ્ટેશન મૂકી ગયા હતા. આ મામલે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને તેમનું સરઘસ કાઢ્યું હતું.
ઘટના બનતા સમગ્ર મામલે પોલીસ મથકે આઈપીસીની કલમ અને આઇટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે. જે બાદમાં ખંભાળીયા પોલીસે રોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ પણ જામખંભાળીયા દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
રેન્જ આઈજીએ ખંભાળીયા પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને આ મામલો ગંભીર હોવાથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ જિલ્લા એલસીબી પોલીસને આ મામલે વધારે તપાસ કરવાનું કહ્યું હતું. આ મામલે હવે આરોપીના રિમાન્ડ મેળવીને કયા કારણે આ બનાવ બન્યો હતો તેની તપાસ કરવામાં આવશે. બીજી તરફ કાયદો હાથમાં લઈને યુવાનને નિર્વસ્ત્ર કરી આ રીતે માર મારવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આ મામલે રેન્જ આઈજી સંદીપ સિંહે જણાવ્યું હતું કે, "મંગળવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ ચંદુભાઈ અરજણભાઈ રુડાચને એક બ્લેક કલરની ક્રેટા કારમાં આરોપીઓ તરફથી અપહરણ કરીને અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. જે બાદમાં તેમને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવામાં આવ્યા હતા. જે બાદમાં તેમને પોલીસે સ્ટેશન લાવવામાં આવ્યા હતા."
રેન્જ આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે, "આ વાતની ગંભીરતાને જોતા કડકમાં કડક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ થયો છે. પાંચેય આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આરોપીઓ સામે IPC અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયો છે. આ બનાવ ખરેખર કયા કારણને લીધે બન્યો હતો તેની ઊંડી તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે."