મુકુંદ મોકરિયા, દેવભૂમી દ્વારકા : લોહીનો સંબંધ એટલે લોહીનો સંબંધ, આજના સમયમાં સંપત્તિ માટે ભાઈ-ભાઈનું નથી રાખતો ત્યારે દ્વારકામાં બે સગા ભાઈના અનોખા પ્રેમની કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક ભાઈને ડેમમાં ડુબતો જોઈ બીજો ભાઈ તેને બચાવવા જીવની પરવાહ કર્યા વગર ડેમમાં કૂદી પડ્યો, જોકે બંને ભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. એકની લાશ મળી આવી છે. બીજાની શોધખોળ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાના બામણાસા ગામ પાસે ચેક ડેમમાં બે યુવકો ડુબવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ બંને યુવકો સગાભાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, ત્યારે રેસક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરતા એકની લાશ મળી આવી છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. જોકે પાણીનું વહેણ એટલું છે કે, તેને સલામત બચાવવો મુશ્કેલ છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, બામણાસા થી ગાગા ગામ જવાના રસ્તા પર આવેલ ચેક ડેમ પાસે બંને ભાઈ હતા ત્યારે અચાનક પગ લપસી પડ્યો હતો, અને નદીના વહેણમાં ડુબવા લાગ્યો આ જોઈ બીજો ભાઈએ ભાઈને બચાવવા બુમો પાડી પરંતુ કોઈ મદદ મળે તેમ ન હોવાથી તે પોતાના જીવની પરવાહ કર્યા વગર ભાઈને બચાવવા ડેમમાં કૂદી પડ્યો, પરંતુ પાણીનું વહેણ વધારે હોવાનાકારણે તે પણ ડુબવા લાગ્યો. ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકો ભેગા થઈ ગયા અને બચાવ ટીમને જાણ કરતા રેસક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસ અને રાવલ ફાયરની ટીમે બંને યુવાનોની શોધખોળ શરૂ કરતા દશરથસિંહ નારૂભા વાઢેર (40) નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજો યુવક અજીતસિંહ વાઢેરને શોધવાની કામગીરી હજુ ચાલુ છે. એક સાથે બંને સગાભાઈના ડુબવાની ઘટનાથી પંથકમાં અરેરાટી મચી ગઈ છે, પરિવારને જાણ કરતા પરિવાર પણ સ્થળ પર પહોંચી ગયો છે, એકનો મૃતદેહ મળી આવતા વાઢેર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.