કિંજલ કારસરીયા, જામનગર : પવિત્ર રામનવમીના (Ramnavmi) તહેવાર નિમિત્તે દ્વારકામાં રાષ્ટ્રપતિ (President Ramnath Kovind) અને રાજ્યપાલ (Governer Acharya Devvrat) સહિતના મહાનુભાવો દર્શનાર્થે આવ્યા હતા. દ્વારકા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind Dwarka Visit) પરિવારજનો સાથે ચાર કલાકથી વધુ સમય રોકાણ કર્યું હતું. બપોરે 12 વાગ્યાની આસપાસ જગત મંદિર ખાતે પહોંચેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ (Dhanraj Nathwani) ખાસ મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના સર્વોચ્ચ હોદ્દા પર બીરજાતા હોવા છતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની સરળતા માટે જાણીતા છે. આજે મંદિરથી દર્શન કરી અને પરત નીકળતી વખતે બહાર ચોકમાં લોકો તેમનું અભિવાદન કરવા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિએ કાફલો રોકાવી અને ગાડીમાંથી નીચે ઉતરી અને નતમસ્તક થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી દીપકભાઈ, હેમલભાઈ તથા મુરલીભાઈએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.