અંકિત પોપટ, દ્વારકા: આજે શ્રાવણ વદ આઠમ (Shravan vad Aatham) એટલે કે કૃષ્ણ જન્મોત્સવ (Krishna Janmotsav) . આજે જ્યારે રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે જગત મંદિર દ્વારિકામાં (Dwarika) ભગવાનનો જન્મ થઈ ગયા બાદ કઈ રીતે દેવકી માતાની (Maa Devki) સેવા કરવામાં આવે છે. તો સાથો સાથ ભગવાન દ્વારિકાધીશના બાળ સ્વરૂપને કઈ રીતે પાલનામાં ઝુલાવવામાં આવે છે. તે જાણવું અતિ મહત્વનું છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દ્વારિકાના કપિલ ભાઈ વાયડાએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે શ્રાવણ વદ અષ્ટમીને જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ભગવાનનો જન્મ થઈ ગયા વાત બીજા દિવસને પાલના નવમી તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આપણે ત્યાં બાળકનો જન્મ થયા બાદ તેને પલનામાં ઝુલાવવામાં આવે છે. એ જ રીતે ભગવાન કૃષ્ણને પણ તેમના બાળ સ્વરૂપનો ભાવ કરી પલનામાં ઝુલાવવામાં આવે છે. ભગવાનના જન્મ થઈ ગયા બાદ છ દિવસ સુધી તેમને પલનામાં ઝુલાવવામાં આવે છે. તો એ જ પ્રકારે માતા દેવકીનું પણ એક પ્રસુતાની જેમ જ જગત મંદિર દ્વારકાની અંદર ધ્યાન રાખવામાં આવે છે. તેમની સેવા કરવામાં આવે છે.
એક પ્રસુતાને જે પ્રમાણે ઔષધીયુક્ત વ્યંજન આપવામાં આવે છે. એ જ ભાવ સાથે માતા દેવકીને રાબ, બાજરાનો રોટલો, રીંગણાનું શાક, તેમજ સુવા અજમા મરીના ભુક્કા ઇત્યાદિ સહિત મિશ્રિત ગોળ યુક્ત લાડવા પણ ધરાવવામાં આવે છે. તેમજ પ્રસુતા મહિલાને જે પ્રમાણે જુના જમાનામાં શેક કરવામાં આવતો હતો. એ જ રીતે છાણાનું તાપણું કરી શેક કરવામાં આવે છે.