દેવિભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા ખાતે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. દ્વારકા-પોરબંદર હાઇવે પર અકસ્માતમાં થયો છે. મળતી માહિતી પ્રમાણે ભોગત નજીક એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ધડાકાભારે વીજપોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડના વીજ પોલને નુકસાન પહોંચ્યું હતું. વીજ પોલ સાથે ટક્કર બાદ કાર પાણીના ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. આગળ જુઓ અકસ્માતની વધુ તસવીરો અને ગુજરાતના અન્ય અપડેટ્સની ઝલક.
જેલના કેદીઓ નિર્મિત વસ્તુઓ દેખાશે બ્રાન્ડેડ: જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતો સામાન હવે ટ્રેડિશનલ અને નવા રૂપમાં દેખાય તો નવાઈ ન પામતા! NID અને જેલ વચ્ચે એક કરાર થયો છે, જેમાં NID ના વિદ્યાર્થીઓ અલગ અલગ સમાનના પેકિંગથી લઈ કઈ રીતે બ્રાન્ડિંગ થાય તેના વિશે માર્ગદર્શન આપશે. NID ના વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા જેલની મુલાકાતે ગયા હતા અને ત્યાં જઈને કેદીઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ જોઈ હતી. વિદ્યાર્થીઓએ કેદીઓ નિર્મિત વસ્તુઓને કઈ રીત વધારે સારી અને બ્રાન્ડેડ બનાવી શકાય તે માટે કામ કર્યું હતું.
લોખંડનો ગેટ માથે પડતા ચાર વર્ષની માસૂમનું મૃત્યું : રાજકોટ શહેરમાં દાદીની નજર સમક્ષ જ પૌત્રીનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. અંબાજી મંદિર (Ambaji Temple)નો લોખંડનો ગેટ માથે પડતા માસૂમ પૌત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહી હતી. જોકે, હોસ્પિટલે પહોંચે તે પૂર્વે જ માસૂમે અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે.
પંજાબી યુવતી બાદ હવે દંપતી સહિત ત્રણની MD ડ્રગ્સ સાથે ધરપકડ : અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુંબઈથી ડ્રગ્સ લઈને આવી રહેલા આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓની એન.સી.બી.એ ધારપડક કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી લકઝરી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે NCBની ટીમે સીટીએમ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઢવીને આરોપીને 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે શહેરમાં એમડી ડ્રગ્સનો નશો કરવાના અને વેચવાના ગુનામાં એક 22 વર્ષીય પંજાબી યુવતીની ધરપકડ કરી હતી.
એસ્કોર્ટ ગર્લ સર્વિસની જાહેરાત આવે તો ચેતજો: ઠગાઈ કરવા માટે ગઠિયાઓ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ગઠિયાઓ લોભામણી જાહેરાતો ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકતા હોય છે. આવી જાહેરાતમાં કોઈ વ્યક્તિ તેમાં રસ દાખવે એટલે તેને જાળમાં ફસાવી પૈસા સેરવી લેવામાં આવે છે. આવી જ એક ઘટના અમદાવાદ પોલીસના ચોપડે નોંધાઈ છે. જેમાં એસ્કોર્ટ સર્વિસની જાહેરાતમાં યુવકે રસ દાખવતા ગઠિયાઓએ છ હજાર રૂપિયા ઓળવી લીધા હતા. આ મામલે યુવકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આ ઠગ ટોળકી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.