મુકુંદ મોકરિયા, દેવભૂમી દ્વારકા: દ્વારકા (Dwarka) જિલ્લા પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઓખામંડળની જાણીતી બિચ્છુ ગેંગને ગુજસીટોકનોના (Gujctoc) કાયદા તળે ઝડપી પાડવામાં આવી છે. જામનગરમાં (Jamnagar Crime) ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કર્યા બાદ દેવભૂમિ દ્વારકા એસપી નીતેશ પાંડેયના વડપણ હેઠળની ટીમે દેવભૂમિ દ્વારકામાં પણ ગુજસીટોકનો પ્રથમ કેસ કરી કુખ્યાત બિચ્છુ ગેંગના સુત્રધારો ફરતે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકાના ઓખા મંડળ, મીઠાપુર વિસ્તારમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 12 સાગરીતો વિરૂધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ગુન્હેગારોમાં ખળભળાટ મચી ગયો છે.
દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગુપ્ત રાહે કરવામાં આવેલી તપાસના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં આશરે ૧૫ વર્ષ ઉપરાંતથી લાલુભા સાજાભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયાનાઓની સીન્ડીકેટ હેઠળ એક બિચ્છુ ગેંગ કાર્યરત હોવાનુ ધ્યાને આવ્યું હતુ. જેઓ એક ઓર્ગેનાઇઝડ કાઇમ સીન્ડીકેટ ચલાવી રહ્યા હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવુ ,લુંટ, વિગેરે તથા મિલ્કત સબંધી, ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક લાભ મેળવતા હોવાનુ જણાઇ આવતા મીઠાપુર પોલીસ સ્ટેશન ગુન્હો નોંધવામાં આવેલ હતો.
જે ગુનાના કામના આરોપીઓમાં મુખ્ય સુત્રધાર તથા તેના અન્ય સાગરીતો સહિત બીજા 11 આરોપીઓ બિચ્છુ ગેંગના હોવાનુ જણાઇ આવતા જે બાબતે હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇન્કવાયરીના અંતે ઉપરોકત ગુનાના કામે આજરોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) - ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩(૪),૩(૫) હેઠળ કુલ ૧૨ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
તો આ ગુનાના કામના કુલ ૧૦ આરોપીઓ સહિત અન્ય બીજા ર આરોપીઓ મળી કુલ ૧૨ આરોપીઓ લાલુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દેવભૂમિ દ્વારકા, વનરાજભા પાલાભા સુમણીયા રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, હાજાભા પાલાભા સુમણીયા રહે, કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, જગદિશભા હનુભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, સાજાભા માનસંગભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, રાજેશભા માલામા સુમણીયા રહે. રાંગાસર તા,દ્વારકા, નથુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા,માપભા વીરાભા સુમણીયા રહે. ખતુંબા વાડી વિસ્તાર હાલ રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, માનસંગભા ધાંધામા માણેક રહે. આરંડા ગામ પાણીના ટાંકા પાસે તા.દ્વારકા, માનસંગભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, માલાભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દ્વારકા, કિશન ટપુભા માણેક રહે. વસઇ તા. દ્વારકાનાઓની આ ગુજસીટોકના કાયદા મુજબ ધરપકડ કરવામાં આવેલ હતી.
આમ ઉપરોકત બિચ્છુ ગેંગને અંકુશમાં લઇ નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નના ભાગરૂપે બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરૂધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં તેમજ તેઓને ઝડપી પાડી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એલસીબી જે.એમ. ચાવડા, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, પીએસઆઈ એસ.વી.ગળચર, પીએસઆઈ એફ.બી.ગગનીયા તથા એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ કર્મચારીઓ વગરે દ્વારા કરવામાં આવી હતી.