મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકાઃ આજ કાલ આડા સંબંધો મોતનું (Extra marital affair) કારણ બની રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના (Kalyanpur) દેવળીયા ગામે પણ આડા સંબંધોમાં એક ખૂની ખેલ ખેલાયો જેમાં એક 36 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો. માતા સાથે આડા સંબંધ ધરાવનાર યુવકની ધારિયા વડે હત્યા (murder case) કરવામાં આવી હતી. સમગ્ર દેવળીયા તેમજ આસપાસના વિસ્તારમાં જાણીતા એવા છગન દેવા વરુની હત્યાની જાણ થતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
દેવળીયા ગામે 36 વર્ષીય છગન દેવા વરુ નામના આહીર યુવાનની નિર્મમ હત્યા થઈ છે દેવળીયા ગામના ડફેરની ધારના વાડી વિસ્તારમા એક યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળે છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવે છે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દેવળીયા ધાર વાડી વિસ્તારમાં પહોંચી તપાસ તેજ કરે છે. એક સામાન્ય ઝૂપડા ટાઈપ મકાનની પાસે જમીન પર લોહી લુહાણ હાલતમાં લાશ જોતા એસ પી સુનિલ જોશીએ આ મામલે DYSP તેમજ LCBની ટીમોને ઘટના સ્થળે મોકલી હત્યાનો ભેદ ઉકેલવા કામે લગાડી હતી. પોલીસે આ ભેદ પણ ગણતરીની મિનિટોમાં જ ઉકેલી આરોપીઓને પણ દબોચી લીધા હતા.
પોલીસે ગણતરીની મિનિટોમાં ઉકેલી દીધેલા આ હત્યાના ભેદમાં સનસની ખેજ વિગતો સામે આવી છે. મૃતક છગન દેવા વરુની જ્યાં લાશ મળી તે જગ્યા હતી. રણમલ પબા પઠાણની એટલે પોલીસે સીધી શંકાની સોય આ વ્યક્તિ પર કરતા આ વ્યક્તિ ક્યાંય મળ્યો ન હોવાથી પોલીસે ચારે તરફ પોતાની ટીમો આ શખ્સને જડપી લેવા દોડાવતા આખરે પોલીસે આરોપીને ઝડપી લીધા હતા અને હત્યાનો ભેદ પણ પોલીસે આરોપીની કડક પુછતાછમાં ઉકેલી નાખ્યો હતો.
આરોપી રણમલ પબા પઠાણ એ પોલીસને સમગ્ર વિગતો જણાવતા પોલીસને આ સમગ્ર હત્યાનું સાચું કારણ પણ જાણવા મળ્યું હતું. મૃતક છગન દેવા વરુને રણમલ પબા પઠાણની માતા સાથે આડા સબંધ હોઈ મૃતક છગન દેવા વરુ રાત્રીના સમયે રણમલ પબા પઠાણના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરે રણમલ પબા અને તેનો બનેવી મેરુભાઈ રામાભાઈ લાડક હાજર હોય જ્યાં તેઓની ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી.
પોતાની માતા સાથે આડા સંબંધોને લઈને ઉગ્ર બોલાચાલી માથાકૂટમાં પરિણમી હતી. જેમાં આખરે ઝપાઝપી અને મારકુટમાં રણમલ પબા પઠાણના હાથમાં ધારીયું આવી જતા તેને મૃતક છગન દેવા વરુના માથાના ભાગે ઝીંકતા છગન દેવા વરુ ત્યાંજ ઢળી પડ્યો હતો. અને લોહી લુહાણ હાલતમાં તેનું ત્યાંજ મોત થયું હતું અને હત્યા કરી આ બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા. સમગ્ર દેવળીયા તેમજ આસપાસના વિસ્તારમાં જાણીતા એવા છગન દેવા વરુની હત્યાની જાણ થતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.