દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આજે કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને કિસાસ કૉંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા કાર્યકર્તાઓ સાથે એપીએમસી પર પહોંચી ગયા હતા. અહીંયા નેતાઓ બજાર બંધ કરાવે તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને કૉંગ્રેસના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. માડમ અને આંબલિયાએ સરકારની સામે આકરી નારેબાજી કરી હતી.
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું છે. જેને ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન મળ્યું છે. જેમા ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, બંધને લગતી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.