

આજી GIDCમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી છે. જેથી આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 10 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડના ચાર કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ આગમાં ફાયર બ્રિગેડના જવાન મેહુલ જીંજુવાડિયા, ઇદ્રિસ રાઉમા, હરેશ શિયાળ, અને સંજય જાદવ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત ચારેય જવાનને સારવારમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. દરમિયાન આ ઘટનામાં ચિફ ફાયર ઑફિસર સહિત કુલ 7 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ ઘટનામાં રાજકોટ ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઑફિસર ભીખા જે ઠેબા પણ ઇજાગ્રસ્ત થયા છે.


ઘટનાની વિગત અનુસાર આજી જીઆઈડીસીમાં એક કલર કંપનીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આગ એટલી વિશાળ છે કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગમાં ફાયરબ્રિગેડના બે કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આગને બુઝાવવા માટે આઠ જેટલા ફાયર બંબાઓ આજી જીઆઈડીસી ખાતે ધસી ગયા હતા.


ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.આ આગ કોઈ બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ છે. તો આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે.


આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરાયો, 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો. ફાયર ડિપાર્ટમેન્ટ એટલે કે અગ્નિશમન દળ દ્વારા જ્યારે પણ આગ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે અથવા તેવી દહેશત જણાય એટલે બ્રિગેડ કોલ જાહેર કરે છે.


ફેક્ટરીના કેમિકલના કારણે 4 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જ્વલનશીલ પદાર્થના કારણે આગ વિકરાળ બની હતી. આગને કાબુમાં લેતાં ફાયર બ્રિગેડે ખૂબ જહેમત ઉઠાવી છે. ફાયર બ્રિગેડ દ્વારા કારખાનાના પાછળના ભાગમાં જે.સી.બી. દ્વારા દિવાલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નેપ્થા નામના કેમિકલમાં પાણી ભળવાથી તેની અસર વિકરાળ થાય છે.