પ્રકાશ સોલંકી, બોટાદઃ બોટાદ જીલ્લાના (botad) રાણપુર શહેરમાં ભાદર નદીના (Bhadar river) સામે કાંઠેથી આજરોજ બપોરના 12:30 વાગ્યાની આસપાસ ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવતા સમગ્ર પંથક સહિત જીલ્લામાં ચકચાર મચી ગયેલ છે. બપોરના 12:30 વાગ્યાની આસપાસ ભાદર નદીને સામે કાંઠે કબ્રસ્તાન (Cemetery) તરફ જવાના કાચા રસ્તે દિવાલ પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી (newborn girl child) મળી આવી હતી.આ ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.
જ્યારે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.108 ને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી.અને બાળકીને એમબ્યુલન્સ મારફતે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી જ્યા ફરજ પરના ડોક્ટરો બાળકી ની તપાસ કરતા બાળકી એકદમ સ્વસ્થ હોવાનુ જણાવ્યુ હતુ.આ ઘટનાને લઈને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,એસ.ઓ.જી.ટીમ,એલ.સી.બી.ટીમ સહીતનો પોલીસ કાફલો રાણપુર દોડી આવ્યો હતો અને બાળકી જે સ્થળેથી મળી તેની તપાસ કરી જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી નવજાત બાળકી ના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતમાં વધુ એક બાળકીને ત્યજી દીધેલી હાલતમાં બોટાદ જીલ્લાના રાણપુરમાંથી મળી આવતા નવજાત બાળકીના માતા-પિતા ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.જ્યારે બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા ત્યજી દેવાયેલી નવજાત બાળકી નું નામ ખુશી જાહેર કરવામાં આવ્યુ હતુ.હાલ આ બાળકી એકદમ સ્વસ્થ છે અને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવી છે અને પોલીસ સ્ટાફ અને હોસ્પિટલ નો સ્ટાફ આ નવજાત બાળકી ની સંભાળ રાખી રહ્યા છે.અને પોલીસે બાળકી ના માતા-પિતા ની શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના અંગે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા રાણપુર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જણાવ્યુ હતુ કે રાણપુરની ભાદર નદી ના સામે કાંઠે કબ્રસ્તાન જવાના કાચા રસ્તે દિવાલ પાસેથી ત્યજી દીધેલ એક નવજાત બાળકી મળી આવી છે.જે બાળકી ને રાણપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવી છે અને બાળકી એકદમ સ્વસ્થ છે.બાળકી ના માતા-પિતા ને શોધવા એલ.સી.બી.,એસ.ઓ.જી.સહીત પોલીસની ટીમો બનાવી બાળકીના માતા-પિતા ની શોધખોળ કરી રહી છે.