પ્રકાશ સોલંકી, બોટાદ: કોરોના વૈશ્વિક મહામારી (Corona Pandemic)માં દિવસેને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકાર (Gujarat Government) પણ ચિંતિત જોવા મળી રહી છે. વધારેમાં વધારે લોકોના ટેસ્ટ (Corona Test) થાય તે માટે સરકાર તરપથી ધન્વંતરી રથો (Dhanvantari Rath)શરૂ કરવામાં આવ્યા છે. બીજીતરફ અનલોક (Unlock) અંતર્ગત ધીમે ધીમે ધાર્મિક સ્થળો ખુલી રહ્યા છે. ધાર્મિક સ્થળો (Religion Places) પર દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોવાથી અહીં વિશેષ કાળજી જરૂરી છે. સૌરાષ્ટ્રની પ્રખ્યાત દેહાણ જગ્યા પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા ખાતે બોટાદ જિલ્લા (Botad District)ની આરોગ્ય વિભાગની ટીમ તરફથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અહીં જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર રાકેશ ચૌહાણ તેમજ મેડિકલ અધિકારી ડૉક્ટર હિતેન્દ્ર ગોસ્વામી અને ડૉક્ટર રાજેશ ઝાંખણીયા અને તેમની ટીમને પાળીયાદ જગ્યાના ગાદીપતિ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક ભયલુબાપુએ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે અહીં સેવા કરતા કર્મચારીઓ, ચોકીદાર, પૂજારી, કામદારો, ગૌશાળા વિભાગના કામદારો, ખેતીવાડી વિભાગના મજૂરો, રસોડા વિભાગ, ચા-પાણી વિભાગનો સ્ટાફ , સાફ-સફાઈ કર્મચારીના કોરોના ટેસ્ટ થયા હતા.
આ ઉપારાંત પુ.બા શ્રીનો અને ઠાકર પરીવારના તમામ સભ્યો અને બંગલે કામ કરતા ભાઈ બહેનો તેમજ ડ્રાઈવર, માળી તમામ મળીને કુલ 125 લોકોનો Covid-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અહીં કરવામાં આવેલા તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. કોઈ સંસ્થા તરફથી આરોગ્યની ટીમને સામેથી બોલાવીને પોતાના તમામ કર્મચારીઓ તેમજ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોય તેવું ઉત્તમ ઉદારણ જગ વિખ્યાત વિસામણબાપુની જગ્યા તરપથી પૂરું પાડ્યું છે.