પ્રકાશ સોલંકી, બોટાદ : રાજ્યના બોટાદ જિલ્લામાં (Botad) ફાયરિંગની (Firing) હચમાચાવી નાખે એવી વારદાત સામે આવી છે. અહીંયા તુરખા (Turkha village) ગામે મોડી રાત્રે એક યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ છોડતા તે ગંભીર રીતે જખ્મી થયો છે. જોકે, યુવકે બચાવમાં હાથ આડો કરતા એક ગોળી (Bullet) તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઈ હતી. જખ્મી યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો તે પહેલાં તેણે પોતાની જાતે આપવિતી સંભળાવી હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલો મુજબ ગઈકાલે રાતે બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનો ઘટનાસ્થળેથી વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં યુવકે તેના પર ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેને ઈજાઓ ગંભીર હોવા છતાં ઘટના બાદ તેનો જીવ બચી જતા સમગ્ર હકિકત પ્રકાશમાં આવી હતી.