અમરેલી: વરસાદે આ વખતે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકને જરૂરિયાત કરતા ખૂબ વધારે વરસાદ પડી ગયો છે. આ જ કારણે ખેડૂતોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી ગયો છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ભારે વરસાદને કારણે અમરેલીના વેણીવદર ગામ 'પાણીવદર' ગામ બની ગયું છે. હાલ વરસાદને કારણે ગામના લોકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે. વરસાદ ચાલ્યો ગયો છે પરંતુ પાણીના તળ એટલા ઊંચા આવી ગયા છે કે અહીં ગામના ઘરોમાંથી આપમેળે પાણી બહાર આવી રહ્યું છે. લોકોના ઘર, રસોડા, ફળિયા અને ગામના રસ્તાઓ સહિત અનેક જગ્યાએથી આપમેળે પાણી બહાર નીકળી રહ્યું છે. આ જ કારણે ગામના લોકો પરેશાન થઈ ગયા છે.
વાત એમ છે કે અમરેલીના માંગવાપાળ ગામ નજીક આવેલો વડી ડેમ 10 વર્ષ બાદ 100% ભરાયો છે. કોઈ પણ વિસ્તારમાં ડેમ ભરાતા પાણીના તળ ઊંચા આવે છે અને ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળતી હોય છે. પરંતુ વડી ડેમ ભરાયો હોવાથી વેણીવદર ગામના લોકો માટે નવી જ મુશ્કેલી ઊભી થઈ છે. આ ડેમને કારણે ડેમની બાજુમાં જ આવેલું આખે વેણીવદર ગામ મુશ્કેલીમાં મૂકાયું છે.
વેણીવદર ગામના મધુભાઈએ ન્યઝ18 ગુજરાતી સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, "10 દિવસથી ડેમ ભર્યો છે. રાત-દિવસ મોટર ચાલુ રાખીએ છીએ પરંતુ પાણી આવ્યા જ કરે છે. અમારા ઘરનો સામાન ઊપર મૂકવો પડ્યો છે. આજુબાજુમાં પણ આવી જ હાલત છે. ડેમ ઓથોરોટીને વાત કર્યા બાદ તેઓએ સંપાદનની પ્રક્રિયા કરવાની વાત કરી છે. 10 વર્ષ પહેલા થોડા મકાનો બીજી જગ્યાએ ખસી ગયા હતા, પરંતુ અડધું કામ બાકી રહી ગયું છે. હાલત એવી છે કે મકાનોમાં રહી શકાય એમ નથી."
આ ગામની હાલત એવી છે કે ગામના પાદર આવેલા કૂવામાંથી પણ ત્રણથી ચાર મોટર ચાલુ હોય એટલું પાણી બહાર આવી રહ્યું છે. ગામની બજારોમાં પણ પાણી ભરેલા છે. આસપાસની જમીન સંપાદિત કરેલી છે પરંતુ ફક્ત રહેવાના મકાનો જ સંપાદિત થયા નથી. આ ગામના લોકો માગણી કરી રહ્યા છે કે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવીને તેમને તાત્કાલિક બીજી જગ્યાએ ખસેડે. ગામ લોકોના કહેવા પ્રમાણે તેઓ દર વખતે રજુઆત કરે છે, પરંતુ તંત્ર તરફથી દર વખતે આશ્વાસન જ આપવામાં આવે છે.