રાજન ગઢિયા, અમરેલી : રાજ્યમાં કોરોનાકાળ (Corona time) બાદ આપઘાત (Suicide)ની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મલી રહ્યો છે. કોઈ આર્થિક તંગીથી પરેશાન (Financial distress) થઈ તો કોઈ માનસિક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે અમરેલી જિલ્લા (Amreli District)ના સાવરકુંડલા (Savarkundla) નજીકના ધાર ગામ (Dhar Village)માં આપઘાતની એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં માતા-પુત્રીએ એક સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધુ છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ધાર ગામના રહેવાસી હંસાબેન કાંતિભાઈ ખીચડીયા (52) પોતાની દીકરી ભુમીબેન કાંતિભાઈ ખીચડીયા (22) સાથે રહેતા હતા. પરિવાર ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ, ગત વર્ષ નબળુ ગયું, અને ટાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો તેમાં પરિવાર આર્થિક સંકડામણમાં આવી ગયો હતો, જેને પગલે માતા અને પુત્રીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં મળેલ જાણકારી અનુસાર, આપઘાત કરનાર પરિવારમાં દીકરીના લગ્નનો પ્રસંગ નજીક હતો, આવા સમયે કુદરતી આફતના પગલે આર્થિક સંકડામણમાં પરિવાર આવી ગયો હતો. સમાજમાં પ્રસંગને લઈ બદનામીના ડરે માતા-પુત્રીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, બંનેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. દારાસભ્ય પ્રતાપ દુધાતને પણ માહિતી મળતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી છે.