

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીનાં રાજુલામાં 3.08 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરત શહેરમાં પણ 2.8 ઇંચ, ભરૂચના વાગરા, તાપીનાં ડોલવણ, સુરતનાં કામરેજ, વલસાડનાં ધરમપુર, સુરતનાં માંગરોલ, ભરૂચ, નવસારીનાં ચીખલીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે હજી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 132 ટકાથી વધુ વરસાદ થયો છે.


આજે સવારની વાત કરીએ તો 23મી તારીખનાં સવારે 6થી 8 દરમિયાન 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરનાં મહુવામાં કુલ 1.20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે ભાવનગરનાં જેસર, તલાજા, પાલીતાણા, જેતપુરપાવી, સંખેડા, નસવાડી, જાફરાબાદ, સિહોરમાં પણ વરસાદ નોંધાયો છે.


કાલે મળેલી IMDના અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોવાથી અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે. પરંતુ છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા છે. તે ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોઈ 24 સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ 25 સપ્ટેમ્બર બાદ વરસાદ નહિવત રહેશે.


હાલ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામા ઓણસાલ ભારે વરસાદથી ખેતી પાકને ખૂબ મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. ત્યારે હજુ જિલ્લામા 10 ટકા વિસ્તારમા પણ સર્વેની કામગીરી પુર્ણ થઇ નથી. કુલ 4.84 લાખ હેકટરમા પાકને અસર પહોંચી છે. અમરેલી જિલ્લામા 11 તાલુકામા મગફળી, કપાસ, ઘાસચારો, તલ, કઠોળ, શાકભાજી સહિતના પાકને ભારે વરસાદના કારણે માઠી અસર પહોંચી છે. જેને પગલે સરકારના આદેશ મુજબ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામા આવી છે. જિલ્લાના કુલ 619 ગામેામા પાકને માઠી અસર પહોંચી છે. અને કુલ 4,84,621 હેકટરમા પાક અસરગ્રસ્ત થયો છે.