રાજન ગઢિયા, અમરેલી : અમરેલીમાં (Amreli) એક પેટ્રોલ પમ્પ સંચાલકને (Petrol Pump) ફોન કરી અને 10 લાખ રૂપિયાની ખંડણી (Extortion) માંગવાનો બનાવ સામે આવ્યો હતો. આ ખંડણીની ધમકી આપવામાં આવી તેની ઑડિયો ક્લિપ (Viral Audio) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોતે અમરેલીનો બાપ છે અને પૈસા નહીં આપે તો ફાયરિંગ (firing) કરશે તેવી ધમકી આપી પેટ્રોલ પમ્પ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.
આ ઉપરાંત અમરેલીના ઝાબાંઝ એસપી નિર્લિપ્ત રાય (Amreli SP Nirlipt Rai) આખી જિંદગી નહીં હોય અને તેના ભરોષે ન રહેવા પણ કહ્યું હતું. આ અંગે અમરેલી એસઓજી અને એલસીબી કેસ નોંધાતા આરોપીની પાછળ લાગી ગઈ હતી. દરમિયાન ગોંડલના મોવિયા પાસેથી આરોપી છત્રપાલસિંહ વાળાને ઝડપી પાડ્યો હતો. આ મામલે છત્રપાલસિંહને ઝડપી પાડી આજે તેને પેટ્રોલ પમ્પમાં લઈ જઈ રેકી કરવાની ઘટનાનું રિકનસ્ટ્રક્શન કરાવ્યું હતું.
અમરેલીના પેટ્રોલપંપ સંચાલક હિતેશભાઇને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ પોતાને અમરેલીનો બાપ છત્રપાલસિંહ વાળા તરીકે ઓળખાણ આપી સિક્યુરિટી પેટે રૂ. 10 લાખની ખંડણીની માગ કરી હતી. જોકે પેટ્રોલપંપ માલિક ખંડણી ખોરના તાબે ન થતાં તેણે પેટ્રોલપંપ પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી, અને અમરેલીના એસ.પીને પડકાર ફેંકતી વાતો પેટ્રોલ માલિક સાથે વાત કરી હતી.
'અમરેલીથી છત્રપાલસિંહ વાળા બોલું ઓળખાણ પડી ? શાંતિથી પેટ્રોલપમ્પ ચલાવો છે કે, પછી માથાકૂટ કરવી છે? એસ.પી નિર્લિપ્ત સાહેબ આખી જિંદગી અહિં રહેવાના છે ? સિક્યુરિટી જોઇતી હોય તો પૈસા આપવા પડશે, રૂ. 10 લાખ જોઇએ છે મારે. સિક્યુરિટી પોલીસ આપશે ? અમરેલીનો બાપ બોલું છું છત્રપાલ, રૂપિયા આપવાના છે? બે દિવસમાં છૂટી જઈશ મોટુ મર્ડર તો કર્યું નથી, 16 ગુના છે, નિર્લિપ્તભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દિવસે છૂટી જઇશ, છોકરાઓની સિક્યુરિટી જોઇએ છે? હવે પછી પેટ્રોલ પમ્પેથી નીકળવામાં ધ્યાન રાખજે બાકી ફાયરિંગ કરીશ. તું જો હવે ભડાકા ન કરાવું તો કેજે'
આ બનાવ બાદ છત્રપાલને પોલીસે ગોંડલના મોવીયાથી ઝડપી પાડી અને સાણસામાં લીધો હતો. ઘટના અંગે માહિતી આપતા અમરેલીના ડીવાયએસપી જગદિશસિંહ ભંડેરીએ જણાવ્યું હતું કે છત્રપાલ અગાઉ 6 ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તેની સામે ખંડણી, જાનથી મારી નાખવાની કોશિષ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. સિટી પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે જેમાં જેમ વધુ વિગતો આવશે તેમ ગુના ઉમેરવામાં આવશે. આ ઘટનામાં આરોપીએ પેટ્રોલ પમ્પની રેકી કરી હતી તેથી તેનું રિકન્સ્ટ્રક્શન પણ આજે કરવામાં આવશે.