અતૂલ વ્યાસ, જૂનાગઢ: ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ (Chuda and Dholva Village) વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-12 સાયન્સ (Student)માં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં બે બે આશાસ્પદ કિશોરના મોતથી ગામ (Village)માં શોકનું મોજું ફરી વળ્યું છે. બંનેના પરિવાર પર જાણે કે આભ જ ફાટી પડ્યું છે. બંને કિશોરના મોતના સમાચાર મળતા જ ગામમાં આક્રંદ વ્યાપી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે હિમાંશુ રાજેશ રૈયાણી અને કેવિન શાંતિલાલ ગોંડલીયા નામના બંને કિશોર પોતાના મિત્રો સાથે ચુડા નજીક આવેલા સાકરોલી ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા. બધા મિત્રો ચેકડેમમાં ન્હાતા હતા ત્યાં અચાનક હિમાંશુ અને કેવિન ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બચાવો બચાવોની બૂમો વચ્ચે બીજા મિત્રોએ હિમાંશુ અને કેવિનને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
જોકે, ચેકડેમમાં પાણી ખૂબ ઊંડુ હોવાથી પોતાના મિત્રોની નજર સામે જ હિંમાશું અને કેવિન પાણીમાં ગરક થઈ ગયા હતા. અનેક મિત્રો હાજર હોવા છતાં પાણી ઉંડુ હોવાથો કોઈ બંનેની મદદ કરી શક્યું ન હતું. આ દરમિયાન બચાવો બચાવોની બૂમો સાંભળી બાદમાં અન્ય લોકો પણદોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. બાદમાં હિમાંશુ અને કેવિનના અન્ય મિત્રો ગામમાં દોડી ગયા હતા અને બંનેના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદમાં ગામના સ્થાનિક તરવૈયા અને મૃતકના પરિવારજનો બનાવનાં સ્થળે પહોંચ્યા હતા.
સ્થાનિક તરવૈયાઓએ પાણીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ભેસાણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગામના લોકોનાં કહેવા પ્રમાણે મૃતક હિમાંશુ અને કેવિન ખૂબ સારા મિત્રો હતા. બંને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા હતા. મૃતક કેવિન રાજકોટ અને હિમાંશુ ભેસાણની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં એક સાથે બે યુવાનોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.