અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદિક પીણા (Ayurvedic Drinks)ના નામે ગેર કાયદેસર નશાયુક્ત પીણું (Intoxicating drink) પાનની દુકાને અથવા હર્બલ શોપ (Herbal Shop)માં વેચાઈ રહ્યાની પોલીસને માહિતી મળી હતી આ મામલે જૂનાગઢ S.O.G પોલીસે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, ચોરવાડ અને વંથલીમાંથી અંદાજીત 1,200 બોટલો સીઝ કરી હતી અને પીણું વેચનારની અટક કરી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાનની દુકાનોમાં આ પ્રકારના પીણા મળી રહ્યાના અહેવાલ છે.
મળતી માહિતી પ્રમાણે ગત મોડી રાત્રે જૂનાગઢના પોશ વિસ્તાર જાંજરડા રોડ પર આવેલી કૈલાસ હર્બલ નામની દુકાન (Kailas herbal shop)માં એસ.ઓ.જી પોલીસે તપાસ હાથ ધરી હતી. દુકાનના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે અહીં બીયર બારની માફક ટેબલ ખુરશી પર નશો કરતા આઠ યુવાનો ઝડપાયા હતા. દુકાન માલિક દ્વારા તેમને નાસ્તાથી લઈ તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. પોલીસે દુકાનમાં રહેલા ફ્રીઝની તપાસ કરતા નશાયુકત ગેરકાયદેસર 300થી વઘુ બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો સીઝ કરી દુકાનદાર તેમજ તેના મેનેજરની અટક કરી હતી.
જૂનાગઢ S.O.Gના P.S.I. એ. એમ ગોહિલ અને તેમની ટીમે જિલ્લામાં અનેક જગ્યાએ દરોડા પાડી અંદાજીત બે હજાર જેટલી બોટલો જપ્ત કરી ત્રણ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ તરફથી સીઝ કરાયેલા બોટલોના સેમ્પલ સ્ટેટ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યાંના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આયુર્વેદિક પીણાના નામે આ ગોરખધંધો કેટલા સમયથી ચાલતો હતો અને આ પીણાના ઉત્પાદન અને ડીલર સામે આવતા દિવસોમાં તપાસ કરવામાં આવશે તો આ કેસમાં મોટો પર્દાફાશ થશે તે નક્કી છે. જોકે, પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આવા પીણા મળી રહ્યાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યુવાનો ડૉક્ટર તરફથી શરદી ઉધરસ વખતે લખી આપવામાં આવતા કફ સિરપનો ઉપયોગ પણ નશા માટે કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. હકીકતમાં કફ સિરપની બોટલ ડૉક્ટરની ભલામણ વગર વેચી શકતા નથી. પરંતુ નશાના રવાડે ચડી ચૂકેલા લોકો મેડિકલ સ્ટોર્સમાંથી આવી બોટલો સરળતાથી મેળવી લેતા હોય છે.