અતુલ વ્યાસ, જૂનાગઢ: સ્વજનનું મોત આઘાતજનક હોય છે. મૃત્યુ પ્રસંગ કોઈ પણ પરિવાર અને તેની સાથે સાથે સગા અને સંબંધીઓને પણ દુઃખ આપે છે. આ દરમિયાન જૂનાગઢ શહે (Junagadh)રમાં એક બનાવની ચર્ચા ચાલી છે. અહીં એક પરિવારે મૃત્યુના પ્રસંગને અવસરમાં બદલ્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ શહેરના સોલંકી પરિવારે (Solanki family) મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. પરિવારમાં પુત્રવધૂના નિધન બાદ પરિવારે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. એટલું જ નહીં, બેસણા વખતે રક્તદાન કેમ્પ (Blood donation camp)નું આયોજન કર્યું હતું. મૃતક પુત્રવધૂની આંખોનું પણ દાન કર્યું હતું. હકીકતમાં મૃતકની ઈચ્છા હતી કે તેની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે!
જોકે, વિધિની વક્રતા કહો કરે અન્ય કંઈ, મોનિકાબેનને ડિલિવરી સમયે હાર્ટ એટેક આવતા તેઓનું મૃત્યું થયું હતું. ડૉક્ટરના કહેવા પ્રમાણે મોનિકાબેનના મૃત્યું સમયે તેમના પેટમાં રહેલું બાળક જીવિત હતું. આથી તાત્કાલિક સિઝેરિયન કરવામાં આવ્યું હતું. જોકે, સિઝેરિયનથી જન્મેલી બાળકીએ પણ થોડા જ સમયમાં અંતિમ શ્વાસ લીધા હતા.
બીજી તરફ મોનિકાબેનની આંખોનું દાન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મોનિકાબેનના બેસણા વખતે પરિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ રીતે સોલંકી પરિવારે દુઃખની ઘડીમાં પણ સમાજને નવી રાહ ચીંધી છે. પરિવારે રક્તદાન કેમ્પમાં કુલ 37 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ રક્ત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. અહીં ગૌરવની વાત એ છે કે ખુદ મોનિકાબેનના પતિ શ્રીનાથભાઇએ પણ રક્તદાન કરીને પોતાની પત્નીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.