જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા (Junagadh District)માં આ વર્ષે મેઘરાજાએ વિશેષ હેત વરસાવ્યું છે. ગીર પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે દ્રોણેશ્વર ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે. દ્રોણેશ્વર ડેમ (Droneshwar Dam at Machhundri River-Una) મચ્છુન્દ્રી નદી પર આવેલો છે. આ ડેમની પાસે જ એસજીવીપી ગુરુકુળ (SGVP Shree Swaminarayan Gurukul- Droneshwar) પણ આવેલું છે. ડોમ ઓવરફ્લો થઈ રહ્યો હોય તેના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં રવિવારે સતત વરસાદ બાદ સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
વંથલી-માણાવદર હાઇવે બંધ : રવિવારે સતત પડેલા વરસાદને પગલે ઉબેણ નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે. જેના પગલે વંથલી-માણાવદર હાઇવે બંધ થઈ ગયો છે. ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. જે બાદમાં સોમવારે હાઇવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો છે. જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો માળીયાહાટીનામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું છે. પૂરને કારણે સાત ગામમાં અવર-જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે.
સોમવારે પણ વરસાદ : જૂનાગઢમાં સોમવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે. જેમાં સવારે બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદથી દામોદર કુંડમં ફરી પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે જૂનાગઢમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સોમવારે પણ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.