જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભવનાથના દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર આજે સવારથી વરસાદ શરૂ થયો છે. ગિરનાર પર વરસાદ દરમિયાન અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનારમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એવું દ્રશ્ય ઊભું થાય કે જાણે વાદળો પર્વત સાથે વાતો કરતા હોય. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જૂનાગઢમાં વરસાદના કારણે ઠેર ઠેર સર્જાઈ સમસ્યાઓ જોવા મળી રહી છે. ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક રસ્તામાં વાહનો ખૂંચી ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુનાગઢના જોશીપરા વિસ્તારમાં મનપાની જ ગાડી ફસાઈ ગઇ હતી. અહીં સ્કૂલ બસ ખાનગી વાહનો સહિતના અનેક વાહન ચાલકો પોતાના વાહનો લઇ ફસાયા હતા. ભૂગર્ભ ગટ્ટર પાણીની લાઈન અને ગેસની લાઈનને ખોદી નાખવામાં આવી હોવાના કારણે જુનાગઢના રસ્તાઓ ઉપર પેચ વર્ક નહીં કરવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. જોષીપરામાં સેકડો વાહનો ખોદેલા રસ્તાઓમાં ફસાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
બીજી તરફ ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના માણાવદરનો રસાલા ડેમ ઓવરફલો થયો હતો. ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે. ત્યાં જ સ્થાનિક લોકોનું કહેવું છે કે, માણાવદરમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ રસાલા ડેમ ઓવરફલો થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જુનાગઢ માળીયા હાટીના તેમજ ગીરના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઇ છે તો લાડુડી, ધરમપુર, ધ્રાબાવડ, જંગર, લાછડી, ચુલડી, બાબરા અને વિરડી સહીતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. લાછડી નાની સિંચાઈ યોજનામાં નવા નીર આવક શરૂ થઇ ગઇ છે. જુનાગઢ માળીયા હાટીનાના ગીરના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. લાડુડી, ધરમપુર, ધ્રાબાવડ, જંગર, લાછડિ, ચુલડી,બાબરા અને વિરડી સહીત ગીર પંથકમાં વરસાદ શરૂ થયો છે.