જૂનાગઢ: ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે મતદાન મથકેથી લોકશાહી પર્વની ઉજવણીના વિવિધ દ્રશ્યો સામે આવી રહ્યા છે. યુવક-યુવતી લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે જૂનાગઢમાં મૂળ પાકિસ્તાની મહિલાએ મતદાન કર્યું છે. આ મહિલાએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
મૂળ પાકિસ્તાનના હેમાબહેન, આહુજા પરિવારના પુત્રવધુ છે. તેમણે સામાજિક રાહે લગ્ન કર્યા હતા. આ સાથે જ હેમાબહેને જણાવ્યું કે, પીએમ મોદી નિયમ લાવ્યા ત્યાર બાદ સામાન્ય પ્રોસેસમાં નાગરિકતા મળતાં આજે વોટિંગ કર્યું છે. સાથે જ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.
બપોરે 11 કલાક સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન નોંધાયુ છે. આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધી સૌથી વધુ મતદાન નોંધાયું છે. આંકડાની વાત કરીએ તો, તાપીમાં સૌથી વધુ 26.5 ટકા, ડાંગમાં 25 ટકા, નર્મદામાં 24 ટકા, મોરબીમાં 22.3 ટકા મતદાન, ગીર સોમનાથમાં 20.7 ટકા, નવસારીમાં 21.8 ટકા, કચ્છમાં 17.62 ટકા, ભરૂચમાં 17.57 ટકા મતદાન નોંધાયું છે.
રાજ્યમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. આજે ગુજરાત વિધાનસભી ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકોનાં ઉમેદવારોનું ભાવિ આજે 2.39 કરોડ મતદારો ઇવીએમમાં કેદ કરશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ મતદાનની ગણતરી એટલે પરિણામનો દિવસ 8મી ડિસેમ્બર જાહેર કરવામાં આવ્યો છે.