

પતિ અને પત્નીનો ઝઘડો કેવું સ્વરૂપ લે છે અને કેવો મોટો બનાવ બની જાય છે, આવો જ એક કિસ્સો વિસાવદરના જેતલવડ ગામે બન્યો છે. જેમાં એક માતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં માતા સહીત ચારના મોત થયા છે અને એક બાળકનો બચાવ થયો છે.


વિસાવદરના જેતલવડ ગામે કાળુભાઈ ઉર્ફે હરસુર ગઢવી હીરા ઘસવાનો વ્યવસાય કરે છે અને તેના પત્ની જીવુબેન ગૌશાળામાં નોકરી કરતા હતા. બન્ને વચે ગઈકાલે ઝઘડો થતા જીવુબેનને લાગી આવ્યું હતું અને આજે સવારે પોતાના ચાર સંતાનોને લઇ ભરત સાંગાણીના ખેતરે જઈ ઊંડા કૂવામાં પડતું મૂક્યું હતું. આ બનાવની જાણ થતા તેના પતિ સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો પત્નીએ બાળકો સાથે કૂવામાં પડતું મૂકી દીધુ.


બનાવની જાણ થતા ગામ લોકો તેમજ જીવુબેનના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્ય હતા, અને ૧૦૮ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્ય હતા. જેમાં માત્ર આઠ વર્ષનો દીકરો રાજુ જીવિત રહ્યો હતો તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જયારે માતા અને ત્રણ બાળકોના ડૂબી જતા મોત થાય છે.


પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકોની યાદી જણાવતા કહ્યું કે, જીવુબેન ગઢવી (30), જાનવી ગઢવી (4.5), હેતલ ગઢવી (3) અને કરણ ગઢવી (11 માસ)નું આ ઘટનામાં મોત નિપજ્યું છે જ્યારે રાજુ ગઢવી (8)નો બચાવ થયો છે જેની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.