

મેજબાન વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ એન્ટીગા ટેસ્ટની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લેનારા ભારતીય બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. બુમરાહે બીજી ઇનિંગમાં સાત રન આપી પાંચ વિકેટ ઝડપી. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે.


જસપ્રીત બુમરાહ 11 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને ખાસ વાત એ છે કે બુમરાહે આ કમાલ આ ચાર દેશોના પોતાના પહેલા પ્રવાસ દરમિયાન જ કર્યો.


બીજી ઇનિંગમાં કાર્લોસ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, ડેરેન બ્રાવો, શાઈ હોપ અને જેસન હોલ્ડર બુમરાહનો શિકાર બન્યા. તેમાંથી પણ બુમરાહે બ્રેથવેટને બાદ કરતાં ચારેય બેટ્સમેનને સીધા બોલ્ડ કર્યા.


તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટની કોઈ એક ઇનિંગમાં ચાર બેટ્સમેનોને બોલ્ડ કરવારો પહેલો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. બ્રેથવેટને બુમરાહે પંતના હાથે કેચ કરાવડાવ્યો.


ગયા મહિને ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની વિરુદ્ધ મેચમાં બુમરાહે ચાર બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા અને તેની સાથે તે વનડે ક્રિકેટમાં એવું કરનારો પહેલો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો હતો.


વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 318 રનોના અંતરથી ટેસ્ટ મેચ જીતી લીધી. તેની સાથે જ ટીમે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ પોતાની વિજયી શુભારંભ કરી દીધો છે. પહેલી ઇનિંગમાં 297 રન કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 222 રન પર જ વિન્ડીઝની પહેલી ઇનિંગને સમેટી દીધી હતી.