

આવતી કાલે એટલે 20મી તારીખ, ગુરૂવારે જસદણ માટેનાં જંગમાં મતદાન થવા જઇ રહ્યું છે. તે માટે આજે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મતદાન પ્રક્રિયા સમયે સુરક્ષાને ધ્યાને રાખીને 1100 જવાનોનું અભેદ કવચ રચવામાં આવ્યું છે. બેઠકમાં આવેલા 262 બૂથ પર 2,32,116 મતદારો મતદાન કરશે. આજે ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી ચૂંટણીની કામગીરી હાથ ધરશે. ઇવીએમ અને વીવીપેટનાં મશીનો સ્ટ્રોંગરૂમમાં લાવવામાં આવ્યાં છે જેને પોલીંગ બુથ પર લઇ જવામાં આવશે.


જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, 'જસદણની પેટા ચૂંટણીમાં પોલીસના 306, ગૃહ રક્ષક દળના 311 જવાનો ફરજ બજાવશે. જસદણના 232116 જેટલા મતદારો મતદાન કરવાના છે. અત્યાર સુધીમાં જસદણ તાલુકામાં 3 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યારે, ત્રણફ્લાઇંગ સ્ક્વોર્ડ, ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.'


મતદાનના દિવસે એક બિલ્ડિંગમાં એક બૂથ હોય ત્યાં એક પોલીસ અને એક હોમગાર્ડ જવાન, એક બિલ્ડિંગમાં બે બૂથ હોય તો એક પોલીસ અને બે હોમગાર્ડ, એક ઇમારતમાં ત્રણ બૂથ હોય તો એક પોલીસ અને ત્રણ હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. એ પ્રકારે જો ચાર કે તેથી વધુ હોય તો બે પોલીસ અને પાંચ હોમગાર્ડને ફરજ સોંપવામાં આવશે. આવા બૂથમાં અર્ધ લશ્કરી દળની એક હાફ સેકશન પણ તૈનાત કરવામાં આવશે. આ હાફ સેક્શનમાં જે તે અર્ધ લશ્કરી દળના નિયમો મુજબ જવાનો હોય છે.


સુરક્ષાની અલગ અલગ ટીમો ઉપર જિલ્લા પોલીસ વડા ઉપરાંત બે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ નિરીક્ષણ કરશે. વિશેષ તકેદારી વાળા સ્થળો ઉપર 6 પોલીસ, 4 હોમ ગાર્ડ અને અર્ધ લશ્કરી દળના બે હાફ સેક્શન ગોઠવવામાં આવશે. ડિસ્પેચિંગ અનેરિસિવિંગ કેન્દ્ર મોડેલ સ્કૂલ ઉપર પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


મહત્વનું છે કે જસદણની આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. જસદણની બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસમાં રહી ચૂંટણી લડતા કુંવરજી બાવળિયા જીતતા આવ્યા છે પરંતું થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ પ્રધાનપદુ મેળનારા કુંવરજી બાવળિયા હવે આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે ત્યારે કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવી મુશ્કેલ બન્યું છે. તેમની સામે કોંગ્રેસમાંથી કુંવરજીનાં જ ચેલા અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે.