Sanjay Vaghela, Jamnagar: આજના યુગમાં યુવાધન સોશિયલ મીડિયા પાછળ ઘેલું બન્યું છે. ખાસ કરીને 15થી 30 વર્ષના યુવાનો કલાકોનો સમય બગાડી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયા માત્ર મોજશોખ નહીં પરંતુ આવકનો સ્ત્રોત પણ છે. કેટલાક યુવાનો નાની વયે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આવો જ એક યુવક જામનગરમાં રહે છે જે ભોજનના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જેના બદલામા તેને લાખો રૂપિયાની ડોલરમાં આવક પણ થઇ રહી છે. આ ખેડૂત પુત્રને કોઇ નોકરી કરવાની જરૂર પડતી નથી, કારણ કે તેણે પોતાના શોખને જ આવડત બનાવી તેમાંથી પૈસા કમાઇ રહ્યો છે. તો કોણ છે આ યુવક અને કેવી રીતે પૈસા કમાઇ રહ્યો છે, આવો વિગતે જાણીએ.
એક તરફ આજનું યુવાધન સોશિયલ મીડિયા પર કલાકો સુધી વ્યસ્ત રહીને સમયનો વેડફાટ કરે છે. તો બીજી બાજુ કેટલાક એવા પણ યુવાનો છે જેઓ સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને સારી એવી કમાણી કરી રહ્યાં છે. એટલું જ નહીં કમાણી કરવાની સાથે સાથે તેઓ સારી એવી નામના પણ મેળવી રહ્યાં છે. આવો જ એક યુવક જામનગરના નાના એવા ગામ ખીજડીયામાં રહે છે, જેનું નામ છે નિકુંજ વસોયા
જામનગરની ભાગોળે આવેલા ખીજડિયા ગામમાં રહેતા નિકુંજ વસોયા પોતાના પિતાના ખેતરમાં જ દેશી પદ્ધતિથી જમવાનું તૈયાર કરે છે, ત્યારબાદ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જેને લાખોની સંખ્યામાં લોકો પસંદ કરે છે. નિકુંજના યુટ્યુબ, ફેસબોક, ઇન્સ્ટાગ્રામ વગેરે પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે, એટલું જ નહીં નિકુંજના વીડિઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહીત અનેક દેશમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે.
નિકુંજ પોતાના ખેતરમાં જે ગુજરાતી વાનગીઓ વાનગીઓ બનાવે છે તેમાં વપરાતા શાકભાજી, જેમ કે ટમેટા, રિંગણા, મરચા, કોથમી, આદુ, લસણ વગેરે આજ ખેતરમાં ઉગાડે છે. એટલે કે એકદમ શુદ્ધ શાકભાજીમાંથી તૈયાર થતા ભોજનનો વીડિયો બનાવી શેર કરે છે, જે જોવાની લોકોને ખુબ જ મજા પડે છે. નિકુંજનું કહેવું છે કે ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવામાં ખુબ જ મહેનત અને સમય લાગે છે, પરંતુ બજારમાં મળતા કેમિકલયુક્ત શોકભાજી અને ઓર્ગેનિક શાકભાજીના સ્વાદમાં જમીન આસમાનનો ફરક હોય છે.
નિકુંજે જણાવ્યું કે તેઓએ વર્ષ 2013માં ફૂડ બ્લોગિંગ કરવાની શરૂઆત કરી હતી. જોકે શરૂઆતના અઢી વર્ષ ખુબ જ મહેમતવાળા રહ્યાં હતા, આર્થિક રીતે પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી. કારણ કે એ સમયે ઇન્ટરનેટ અને ટેક્નોલોજી ન હતી. મારે વીડિયો તૈયાર કરી સાયબર કાફેમાં પોસ્ટિંગ માટે જવું પડતું હતું અને એક વીડિયો અપલોડ કરવામાં અનેક કલાકોનો સમય લાગતો હતો. જો કે મેં મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને આજે મારું કન્ટેન્ટ લોકો પસંદ કરી રહ્યાં છે અને આમાંથી જ મને સારી એવી આવક થઇ રહી છે જેના કારણે હું અને મારો પરિવાર ખુબ જ ખુશ છીએ.
નિકુંજે જણાવ્યું કે સામાન્ય રીતે પેરેન્ટ્સને એવી ઇચ્છા હોય છે કે તેમનું સંતાન ભણી-ગણીને સારી નોકરી કરે પરંતુ મારા પરિવારે મને મારા શોખને આગળ વધારવા મદદ કરી. મારા પિતાને પાંચ વિઘાની જમીન છે જ્યાં હું શાકભાજી ઉગાડું છું અને આ શાકભાજીમાંથી જ અલગ અલગ ઓર્ગેનિક ગુજરાતી રેસીપી બનાવું છું. આ કામમાં માતા-પિતા અને મોટાભાઇ-ભાભી પણ ખુબ જ મદદ કરે છે.