જામનગર: ભારત-પોલેન્ડના સંબંધોને ખાસ બનાવનાર નવાનગર(હાલનું જામનગર)ના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ દ્વારા બિજા વિશ્વયુધ્ધમાં પોલેન્ડવાસીઓને શરણાર્થી બાળકોને તેમના રાજયમાં આશરો દેવાના હેતુથી તેમજ પોલેન્ડ અને ભારત વચ્ચેના સબંધો અને પોલેન્ડન ઇતિહાસના પાછલા ૧૦૦ વર્ષના ગાળાની યાદમાં એક ભવ્ય કાર્યક્રમ “જનરેશન ટુ જનરેશન” આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ પોલેન્ડના એમ્બેસેડર એડમ બુરાકોવસ્કી અને ગુજરાત રાજ્યના શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વગેરેના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રી ચુડાસમાએ ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પ્રસ્તુત પ્રદર્શનને ખુલ્લુ મુકયું હતું.
કાર્યક્રમનો દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૧૮ નવેમ્બર ૧૯૧૮માં પોલેન્ડ સ્વતંત્ર થયું તેના ૧૦૦ વર્ષ થવા જઇ રહયા છે, જેના અનુસંધાને આ કાર્યક્રમની ઉજવણી કરી રહયા છીએ. તેમણે જણાવ્યું કે, ૧૯૪૨માં પોલેન્ડ પર નાજી જર્મનીએ કબ્જો કરી લીધો હતો, તે સમયે પોતાના સ્વજનોથી બહુ દુર થઇ ગયેલા ૧૦૦૦ જેટલા બાળકોને જામસાહેબે બાલાચડીમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી, જ્યાં તેમણે ખાલી આશ્રય જ નહી પરંતુ ભોજન, શિક્ષા અને એવુ વાતાવરણ પણ આપ્યુ કે જ્યાં તેમની પોલીશ સંસ્કૃતિ અને પરંપરા જીવીત રહી શકે. પોલેન્ડ ગણરાજ્ય દ્વારા જામસાહેબને રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતુ સર્વોચ્ચ મેડલ સન્માન પણ આપવામાં આવ્યું હતું.
આ તકે પોલેન્ડના એમ્બેસેડર એડમ બુરાકોવસ્કીએ જામનગરને ગુજરાતનું હ્રદય માની જણાવ્યું કે. આ એ જગ્યા છે જયાં મારા પોલેન્ડના સાથીઓ (બાળકો)ને બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન આશ્રય આપવામાં આવ્યો હતો. બોમ્બેના પોલેન્ડ વાણિજ્ય દુતાવાસના વાણિજ્ય દુત યુજિનિયસ બનસિનસ્કી અને તેમની પત્ની કિરાની સહાયતાથી “ગુડ મહારાજા” એ એક હજાર પોલેન્ડ બાળકોને આશ્રય દિધો હતો. જેથી તેમનુ જીવન બાળપણ અને એક સારા ભવિષ્યની આશા બની રહે. આ કાર્યક્રમમાં પોલેન્ડથી આવનાર વિશેષ અતિથીઓમાં ૮૦ થી ૯૦ વર્ષની વચ્ચેના પોલેન્ડના લોકો છે, આ એજ લોકો છે જે છોકરાઓ આ કેમ્પમાં રહ્યા હતા. જે અત્યારે સૈનિક સ્કુલ કહેવાય છે. આ છોકરાઓ તેમની કેમ્પના દિવસોની યાદો તાજી કરશે. તેમણે અનુરાધાનો ‘‘અ લીટલ પોલેન્ડ ઇન ઇન્ડીયા’’ ડોકયુમેન્ટ્રી ફીલ્મ બનાવાવા માટે આભાર વ્યકત કર્યો હતો.
કાર્યક્રમમાં પોલેન્ડના અધ્યક્ષ હેન્ડર સ્ક્રીપ્ટે જણાવ્યું કે આજે આપણે પોલેન્ડની આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ માટે ભેગા થયા છીએ. તેમણે પોલેન્ડ બાળકોને આશ્રય દેવા માટે ભારતનો આભાર વ્યકત કર્યો હતો. ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી નવાનગરના જામ સાહેબ દિગ્વીજયસીંહજીએ પોતાના કરુણામય ભાવથી લગભગ ૧૦૦૦ અનાથ પોલીસ બાળકોને આશ્રય આપ્યો જેમાંથી કેટલાક અત્યારે અહીં હાજર પણ છે. તેમજ ૧૯૪૩-૪૮ સુધી પાંચ હજાર પોલેન્ડ શરણાર્થીઓ જેમાંથી મોટેભાગે મહિલાઓ અને બાળકોને મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસે વાલીવડે શીબીરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું અમને ૧૯૪૭માં ભારતના લોકો સાથે સ્વતંત્રતા દિવસું જસ્ન મનાવવાનું સૌભાગ્ય પણ મળ્યુ હતું.