કિંજલ કારસરીયા, જામનગર : જામનગરના આંગણે દરિયાઈ માર્ગે ભારતમાં સૌપ્રથમ સદગુરુ જગ્ગી વાસુદેવ આવી પહોંચતા રજવાડી સ્વાગત કરવામાં આવ્યું છે. જામનગરના નવા બંદરે અગાઉ પોલેન્ડના બાળકોને જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ ઉતારી કર્યા હતા. ત્યારબાદ ફરી એકવાર માટીના શુદ્ધિકરણ માટે ચળવળ ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવ માર્ચ 2022થી વિવિધ દેશોના પ્રવાસ બાદ ભારતમાં સૌપ્રથમ જામનગર આવતા ખાસ નોટિફાઇડ કરાવી જામનગર બંદરે ઉતરાણ કરવામાં આવ્યું છે.
જામનગરના નવા રોજી બંદર ખાતે સદગુરુ જગ્ગી વાસુદેવનો કાફલો જ્યારે આવી પહોંચ્યો ત્યારે જામનગરના વિવિધ ધર્મ ગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં આવેલ શ્રી 5 નવતનપુરી ધામના આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલી જામનગર ના રસાદ્રરાયજી મહોદય, રાધે કૃષ્ણના હરિબાપુ સહિતના સંતો મહંતોએ સદગુરુ જગ્ગી વાસુદેવ ને જામનગરમાં આવકાર્યા હતા.