કિંજલ કારસરીયા, જામનગર: પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધી રહ્યા હોવાથી સામાન્ય અને મધ્યયમ વર્ગ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. કમરતોડ મોંઘવારીને લઈને જામનગરમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તારમાં સ્થાનિકોએ અનોખી રીતે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડર સહિતના ભાવ વધારા સામે વિરોધ કર્યો છે.
લોકોએ જાહેર રસ્તા પર એલપીજી સિલિન્ડર અને બાઇકને કફન ઢાંકી, ફૂલહાર ચઢાવી મોંઘવારીને લઈને ફરી ચૂલા યુગ શરૂ થશે તે પ્રકારના પ્રતિકાત્મક વિરોધ માટે પોસ્ટરો હાથમાં લઈને નાટક ભજવ્યું હતું. જેમાં એક યુવક મોંઘવારીના મારથી પાગલ થઈ ગયો હોય અને ચિચિયારી પાડતો હતો. યુવક 'મોદી મામા... મોદી મામા' કરીને મોંઘવારીને લઈને ખાવા-પીવાના સાંસા પડી ગયા હોવાનું ઉચ્ચારતો હતો. આ અનોખા વિરોધને લોકો પણ કુતૂહલપૂર્વક જોઈ રહ્યા હતા.
દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જાય છે. છેલ્લા સપ્તાહમાં 80 રૂપિયા પાર કરી પેટ્રોલ 88 રૂપિયા આસપાસ અને ડીઝલ પણ 87 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત રોજબરોજના વપરાશમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધીને 800ને પાર કરી 806 રૂપિયા થઈ ગયો છે. આ કારણે સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આથી સમગ્ર દેશમાં સરકાર દ્વારા સામાન્ય લોકોની વ્યથા સમજી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડર જેવા રોજિંદા ઉપયોગમાં લેવાતા ઇંધણના ભાવો ઘટાડવામાં આવે તેવી માગણી ઉઠી છે.
અહીં એક બાઇક પણ મૂકવામાં આવ્યું હતું. જેના પર લટકાવી રાખેલા પોસ્ટરમાં લખ્યું હતું કે, "હું ગાડી અને મારો સાથી પેટ્રોલ હવેથી સામાન્ય માણસનો સાથ નહીં આપી શકીએ. મારાથી ગરીબોની હાલત નથી જોવાતી. આથી અમે ભોળા માણસનો સાથ છોડીને ભ્રષ્ટાચાર રૂપી યમલોક જાઉ છું. મારા મૃત્યુનું કારણ આ નિર્દયી સરકાર અને બેફામ ભાવ વધારો છે."