જામનગર : રવિવારે જામનગર શહેરને (Jamnagar District Rain Updates)ના વરસાદે 'ધોઇ' નાખ્યો હતો. જામનગર શહેરની વાત કરવામાં આવે તો અહીં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી જતાં લોકોની હાલત કફોડી બની હતી. શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જામનગરના લીમડાલાઇન વિસ્તાર (Limdaline Area)માં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે, આટલો વરસાદ પડવા છતાં અહીં તંત્ર પહોંચ્યું ન હતું. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ન્યૂઝ18 ગુજરાત છાતીસમા પાણીમાં આ વિસ્તારમાં પહોંચ્યું હતું. એટલું જ નહીં સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાયા છે. જામનગરના સાંસદના બંગલાની આસપાસ પણ ગોઠણસમા પાણી ભરાયા હતા. (તસવીર : સાંસદનો બંગલો)
અહીં જોવા મળ્યું કે લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે અમે જમ્યા પણ નથી. અહીં હાલત ખૂબ ખરાબ છે. ગઈકાલ રાતથી વરસાદ ચાલુ છે. ન્યૂઝ18 ગુજરાતીએ જે ઘરની મુલાકાત લીધી હતી તેમાં ગોઠણડૂબ પાણી હતું. જોકે, આ લોકોની મદદ માટે તંત્ર પહોંચ્યું નથી. અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી ભરાયા હતા. લોકો એવી માંગણી કરી રહ્યા હતા કે તંત્ર તેમની મદદ કરે. લીમડાલાઇન વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી જોવા મળ્યા હતા. લોકોએ પોતાના ઘરોનો માલસમાન ટેબલ પર મૂકી દીધો હતો.
જામનગરમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. જામનગરના સાંસદ પુનમબેન માડમ જ્યાં રહે છે તે સ્વસ્તિક સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. તેમનો બંગલો જે જગ્યાએ આવેલો છે ત્યાં પણ ગોઠણસમા પાણી ભરાયેલા હતા. જામનગરના શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલી સરકારી કચેરી જેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કચેરીમાં પણ ગઈકાલે સાંજથી જ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.
ફૂલઝર ડેમના દરવાજા ખોલાયા : જામનગર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે આજે લોમવારે ફૂલઝર ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત સીદસર ઉમિયાસાગર ડેમના પણ 19 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે. તો વેણુ નદીના પટમાં જવાની મનાઈ કરી દેવામાં આવી છે. જામજોધપુર પંથકના જળાશયોમાંથી પાણી છોવડામાં આવતા એલર્ટ આપવામાં આવ્યું છે. (તસવીર : સરકારી કચેરીમાં પણ પાણી ભરાયા)