કરમુર ગોવિંદ, દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના એક ગામના લોકોએ ફંડ એકઠું કરીને જાતે જ પુલ બાંધવાની શરૂઆત કરી દીધી છે. ખંભાળિયા નજીક આવેલ કુબેર વિસોત્રી ગામ ખાતે આવેલા ચેકડેમ ઉપરનો પુલ આ વર્ષે પડેલા ભારે વરસાદમાં તૂટી ગયો હતો. જે બાદમાં સ્થાનિક ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડમાં ન પહોંચાડી શકતા હોય તેમજ અન્ય ઇમરજન્સીમાં પણ ગામમાંથી અન્ય શહેરમાં ન જઇ શકતા હોવાથી ખેડૂતોએ તંત્રની રાહ જોયા વગર પુલ બાંધવાનું કામ શરૂ કરી દીધું છે.
મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા કુબેર વિસોત્રી ગામમાં ગત મોસમનો 320 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં અનેક રોડ રસ્તાઓને નુકસાન થયું છે. કુબેર વિસોત્રી ગામે આવેલો પુલ તૂટી ગયો હતો. આ મામલે ગામના લોકોએ ચાલુ વરસાદે પણ તંત્રને જાણ કરી હતી. આ મામલે અનેક રજુઆતો પણ કરી છે. છતાં તંત્ર તરફથી કોઈ પગલાં ન લેવામાં આવતા હવે ગામના લોકોએ ફંડ એકઠું કરીને જાતે જ પુલ બાંધવાનું શરૂ કરી દીધું છે. આવું કરીને ગામના લોકોએ તંત્રના ગાલે જાણે તમાચો માર્યો છે.
આ પુલ તૂટી જતાં કુબેર વિસોત્રી સહિત આસપાસના ત્રણ ગામના લોકોને સીધી અસર પહોંચી હતી. ગામના કેટલાક ખેતરો તરફ જવાનો મુખ્ય રસ્તો જ આ પુલ પરથી જતો હોવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે અને પાક પણ તૈયાર થઈ ગયો છે પરંતુ પુલ ન હોવાથી ટ્રેક્ટર અને અન્ય વાહનો પસાર નથી થઈ શકતા. આ કારણે ખેડૂતોનો પાક ખેતરોમાં જ પડ્યો રહે છે.
એટલું જ નહીં, અન્ય મેડિકલ ઇમરજન્સીમાં પણ લોકોને ખંભાળિયા અને અન્ય શહેરમાં પહોંચવું મુશ્કેલ બની જતું હોય છે. આ કારણે ગ્રામજનોએ ફંડ એકઠું કરીને પુલનું કામ શરૂ કરી દીધું છે. ગામના ખેડૂતો જેસીબી અને ટ્રેકટર જેવા સાધનો ભેગા કરીને પુલનું કામ કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ સરકારને જે કામગીરી કરવાની હોય તે કામ કુબેર વિસોત્રી ગામના લોકોએ શરૂ કરતા જાણે કે લોકોએ તંત્રના ગાલ પર એક તમાચો જ માર્યો છે.