કિંજલ કારસરીયા, જામનગર: જિલ્લાના ધ્રોલ પંથકના ખંભાલીડા ગામે સગી જનેતાએ તેના માસુમ ફુલ જેવા ત્રણેય સંતાનોને કૂવામાં નાંખી દીધાની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવતા પોલીસ પણ એક્શનમાં આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના ખંભાલીડા ગામે ત્રણેય સંતાનો ને કૂવામાં નાખી દેનાર માતા સામે હત્યાનો ગુનો નોંધી પંચકોશી એ ડીવીઝન પોલીસે માતાની અટકાયત કરી છે. ધ્રોલ પંથકના મોરારસાહેબના ખંભાળિયા તરીકે ઓળખાતા ખંભાલીડા ગામે પતિ સાથે અનબન થતા પતિ ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ગુસ્સે ભરાયેલી શ્રમિક મહિલાએ પોતાના ત્રણેય સંતાનોને કૂવામાં નાખીને પોતે પણ ઝંપલાવ્યું હતું જોકે શ્રમિક મહિલા કૂવામાં પાઇપ પકડી લેતા બચી ગઇ હતી અને તેના ત્રણેય સંતાનો મોતને ભેટયા હતા.
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા (ખંભાલિડા) ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના નાના-નાના ત્રણ ભૂલકાઓ કુવામાં પડી જતા ગામમાં દોડાદોડી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર થી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા મોરારસાહેબના ખંભાળિયા તરીકે ઓળખાતા ખંભાલીડા ગામે રામસંગ તેજુભા જાડેજા ની વાડી માં ખેત મજૂરી માટે આવેલા નરેશભાઈ ભુરીયા નામના પરપ્રાંતીય મજૂર ના ત્રણ બાળકો કોઈપણ કારણોસર કૂવામાં ડૂબી ગયા હતા આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને રેસ્ક્યુ હાથ કર્યું હતું. આ દરમિયાન કૂવામાંથી ચાર વર્ષીય દિસુબેન નરેશભાઈ ભુરીયા, અઢી વર્ષીય માધુરી નરેશભાઈ ભુરીયા અને 1 વર્ષનો તનેશ નરેશભાઈ ભુરીયા ના મૃતદેહો હાથ લાગ્યા હતા.
આ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક રોલ અને જામનગર ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા, આ વેળાએ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામા સહિતની કામગીરી કરી ત્રણે બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા. આ ઘટના બાદ પોલીસે કૂવામાં ફેંકી દેનાર તેની માતા મેસુડીબેન સામે હત્યાનો ગુનો નોંધી પંચકોશી એ ડીવીઝન પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.