કિંજલ કારસરીયા, જામનગર: જામનગરની LCBએ હથિયારો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બંનેએ Youtubeના સહારે અનોખું હથિયાર બનાવ્યું હતું. આ વાત જાણીને 'વિજયપથ' ફિલ્મ આવી જાય. કારણ કે જે હથિયાર બનાવ્યું છે તેનો ઉપયોગ કોઈ વીઆઈપીને નિશાને લેવા માટે આસાનીથી થઇ શકે છે. જામનગર શહેર અને જિલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં જ હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે વધુ સાત જેટલા હથિયારોનો જથ્થો પકડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચ તરફથી ઝડપાયેલા હથિયારોમાં એક હથિયાર તો એવું છે કે જેને જોતા જ 'વિજયપથ' ફિલ્મ (Vijaypath Movie) યાદ આવી જાય! Youtubeના સહારે બનાવાયેલું આ હથિયાર અંપગ વ્યક્તિઓ ચાલે તેવી સ્ટીકમાંથી ફાયરિંગ કરી શકાય તે પ્રકારનું અલાયદું ભેજુ વાપરીને બનાવવામાં આવ્યું હતું. અપંગની સ્ટીક જેવા લાગતા આ હથિયારનો ઉપયોગ કોઈ VIP બંદોબસ્તમાં આસાનીથી કરી શકાય તે પ્રકારનું હોવાનું પોલીસનું માનવું છે.
જામનગરમાં SP દીપન ભદ્રનના આવતા જ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ગુજસીટોકના ગુના બાદ ગેરકાયદે હથિયારો ઝડપવામાં પોલીસને સફળતાઓ મળી રહી છે. આ કડીમાં જામનગર એલ.સી.બી. ઇન્ચાર્જ P. I.એસ એસ નિનામાની સૂચનાથી LCB સ્ટાફના PSI બી એમ. દેવમુરારી તથા આર.બી.ગોજીયા તેમજ એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલા બસ સ્ટેન્ડની છાપરી પાસે દરોડો કરવામાં આવ્યો હતો.
માહિતી મળી હતી કે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા આવવાનો છે. હથિયારોની ડિલિવરી માટે આવેલા જામજોધપુર પંથકના જીણાવારીના અને હાલમાં સુરત વસતા મનસુખ હરજી કારેણાને દબોચી લેતા તેના કબજામાંથી ત્રણ પિસ્ટલ,1 રિવોલ્વર તથા 6 કાર્ટીસ મળી 1.25 લાખના હથિયારો ઉપરાંત પોરબંદરના રાણાવાવના રાજશી માલદે ઓડેદરાના કબજામાંથી 2 પિસ્ટલ, 1 ગન તથા 1 કાર્ટીસ મળી રૂપિયા 60,100 રૂપિયાના હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યા છે. મનસુખ કારેણા આ હથિયાર રાજશી માલદે મેરને વેચાણ કરવા આવ્યો હતો.
હથિયારો સપ્લાય કરવા આવેલા મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા વાળાને ગેરકાયદેસર હથિયાર વેચાણ કર્યા હતા. અગાઉના અલગ અલગ ગુનામાં પણ તે નાસતો ફરતો હતો. અગાઉ લૂંટના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. હથિયાર લેવા આવનાર રાજશી ઓડેદરા પણ અગાઉ રાણાવાવમાં મારામારીના બે ગુનામાં સંડોવાયેલો છે. હથિયારોના જથ્થા સાથે ઝડપાયેલા આ બંને આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુનો કર્યો છે કે કેમ? કે પછી આ હથિયારો અન્ય કોઇને આપ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.