કિંજલ કારસરીયા, જામનગર : આજથી ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થયા છે ત્યારે જામનગરમાં કેટલીક શાળાઓ શરૂ થઈ છે તો કેટલીક શાળાઓ હજી પણ અવઢવમાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી ગઈકાલે જાહેરાત કરી છે પરંતુ હજી શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે કોઈ ફરમાન કે પરિપત્ર શાળાઓને નહીં આપતા શાળા સંચાલકો અવઢવમાં મુકાયા છે. પરંતુ કેટલીક શાળાઓએ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના આદેશને લઈને વાલીઓના સામાજિક પત્રક સાથે એ ગાઈડ લાઇન્સ મુજબ શાળાઓ શરૂ કરી છે.
આજથી ગુજરાતની ધોરણ 1 થી 5 ની શાળા શરૂ કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જાહેરાતને પગલે જામનગરમાં આજે કેટલીક શાળાઓ ખૂલી છે તો કેટલીક શાળાઓ હજી પણ અવઢવમાં છે. જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક ન થયો હતો
જામનગરમાં પ્રથમ દિવસે જ LKG, UKG બાદ સૌપ્રથમ વખત પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ કોરોના ના કપરા સમય બાદ શાળાએ આવી પહોંચ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓનાં સહમતી પત્રક સાથે ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પણ આજથી શરૂ થયો છે. ઓફલાઈનની સાથે ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ આજથી શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે ત્યારે 50 ટકા વિદ્યાર્થીની હાજરી સાથે જામનગરમાં પ્રણામી સ્કુલ સહિત કેટલીક શાળાઓ શરૂ થઈ ચૂકી છે.