Kishor Chudasama, Jamnagar: કોઈ માણસના પર્યાવરણ પ્રેમને ઝનૂનનો સાથ મળે તો પરોપકારનું ભગીરથ કાર્ય થાય તેવુ જામનગર પંથકના વડીલે સાબિત કરી બતાવ્યું છે. વાત છે ખીમલીયા ગામ નજીક આવેલ બે ભાઈના ડુંગર નામની જગ્યાની. અહીં વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિપ્રેમ થકી ઉજ્જળ જગ્યામાં 16 હજાર જેટલા વૃક્ષ રોપી ગાઢ જંગલ ઉભું કરી દીધું છે.
વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે મને અલ્સરની બીમારી થઈ હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈ તબીબોએ પણ બીમારીમાંથી બહાર આવવાની શકયતા નહીવત ગણાવી હતી. સાથે બીમારીના કારણે કામમાં પુરતો સમય ન આપી શકતા આર્થિક સંકળામણ પણ વધી હતી. ત્યારબાદ હતાશ થયેલા વડીલે પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું.
ઠેબા નજીક આવેલા બે ભાઈના ડુંગરના નામથી જાણીતી જગ્યાએ જતા હતા. આ દરમિયાન તેમનો પર્યાવરણ પ્રેમ જાગ્યો હતો. આ દરમિયાન વિઠ્ઠલભાઈ મુંગરાએ ઘણા દિવસો સુધી તેમણે ખોડીયાર માટેના મંદિરે સમય વિતાવ્યો હતો. બાદમાં મંદિર આસપાસ જંગલ જેવુ હોવાથી તેની સાફ સફાઈ કરી હતી. સાથે જ થોડા વૃક્ષોને વાવીને તેનો ઉછેર કર્યો હતો.
વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે હું છેલ્લા 18 વર્ષથી વૃક્ષોની સેવા કરી રહ્યો છું. મને બાળપણથી જ વૃક્ષો પ્રત્યે ખુબ જ લગાવ છે. હું બ્રાસના એક કારખાનાનો માલિક છું, જે હાલ મારો પુત્ર સંભાળી રહ્યો છે. બે ભાઈના ડુંગર વિસ્તારમાં વૃક્ષો વાવવા અથાગ મહેનત કરી છે. વિવિધ સંસ્થાઓ અહીં વૃક્ષારોપણ કરી જતા રહે છે, પરંતુ આ વૃક્ષોનું જતન હું કરું છું.