

મયૂર માંકડિયા, અમદાવાદ : શહેરની ઐતિહાસિક ભગવાન જગન્નાથ 143મી રથ યાત્રા કોરોના મહામારીના પગલે નહિ નીકળવાના હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યની ભાજપ સરકાર ચારે તરફથી ઘેરાઈ ગઈ છે. અમદાવાદ શહેર અને રાજ્યનો હિન્દૂ ધર્મ પ્રેમી સમાજ એ રથ યાત્રા ન નીકળવા પાછળ રાજ્ય સરકરને જવાબદાર ગણાવે છે. ગુજરાત સંત સમાજ એમ પણ કહી રહ્યો છે કે, જો પુરીની રથયાત્રા નીકળી શકતી હોય તો અમદાવાદની પણ રથયાત્રા નીકળી શકત પરંતુ ક્યાંકને ક્યાંક રાજ્ય સરકારના આયોજનના અભાવે હાઈકોર્ટે ઐતિહાસિક રથયાત્રા નીકળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે શહેરમાં પોસ્ટરો લગાવી લોકોએ રથયાત્રા ન નીકળી હોવાનો વિરોધ કરી રહ્યા છે.


રથયાત્રાના વિવાદે જ્યારે રથયાત્રા પૂર્ણ થઇના બીજા દિવસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ આક્ષેપ લગાવ્યો હતો કે, કેટલાક લોકોએ મંદિરની રથયાત્રા નીકળશે તેવુ આશ્વાસન આપ્યું હતું. તેમની ઉપર વિશ્વાસ રાખ્યો તે મોટી ભૂલ હતી પરંતુ ભગવાન જગન્નાથ છેતરનાર લોકોને ભગવાન નહીં છોડે. ત્યાર બાદ વિવાદ વકરતા ખૂદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિરની મુલાકાત લેતા મામલો થાળે પાડ્યો હતો .


પરંતુ ત્યારબાદ પ્રવીણ તોગડિયાએ પણ રથયાત્રા ન કરવા મામલે સરકાર પર આક્ષેપો લગાવ્યા હતા. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ રાજ્યની ભાજપ સરકારે ભગવાન જગન્નાથને છેતર્યાના આક્ષેપ લગાવ્યા હતા. હવે ફરી આ વિવાદ વકર્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.


અમદાવાદ શહેરના જજીઝ બંગ્લોઝ વિસ્તારમાં "કર્યો વિશ્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ" "હિન્દૂ ઠેકેદારો ના રાજમાં મહંત માંગે છે મોત"" રામ ના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મન માં કેમ ખોટ" આવા પ્રકારના પોસ્ટરો લગાવી લોકોએ રથ યાત્રા ન નીકળી હોવાનથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં રથ યાત્રા નો આ વિવાદ પર રાજકારણ ગરમાય તો કોઈ નવાઈ નહિ.