

IPLમાં પાકિસ્તાની ખેલાડીઓની નો એન્ટ્રી હાલમાં પણ યથાવત છે. પહેલી સીઝન બાદથી કોઇપણ પાકિસ્તાની ખેલાડી IPLમાં રમી નથી શક્યું. તે દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરે એક એવો રેકોર્ડ પણ બનાવ્યો હતો જે IPLની 11 સિઝનમાં તુટ્યો નથી.


IPLની પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ પર જ્યાં કોઇને ભરોસો ન હતો તેણે તમામને ચોકાવીને IPLની પહેલી સિઝન પોતાનાં નામે કરી હતી. શેન વોનનાં નેતૃત્વમાં આ ટીમ જીતી હતી. જેમાં પાકિસ્તાની બોલર સોહેલ તનવીરનું અહમ યોગદાન હતું.


સોહેલ તનવીરે 11 મેચમાં 22 વિકેટ લઇને પર્પલ કેપ જીતી હતી. તેનું સૌથી યાદગાર પ્રદર્શન ચેન્નઇ સુપર કિંગ્સ વિરુદ્ધ રહ્યું હતું.


તનવીરે ધોનીની ટીમ વિરુદ્ધ ચાર ઓવરમાં 14 રન આપી છ વિકેટ ઝડપી હતી. આ IPLનાં ઇતિહાસમાં કોઇ બોલરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.


સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારા બોલરની લિસ્ટમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો સ્પિનર એડમ જમ્પા છે. જમ્પાએ વર્ષ 2016માં 19 રન આપીને છ વિકેટ ઝડપી હતી.