

ભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને પ્રથમ વખત બોક્સિંગ ટેસ્ટ પોતાના નામે કરી છે. આ જીત સાથે વિરાટ કોહલી SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ચાર ટેસ્ટ જીતનાક ભારતનો પ્રથમ સુકાની બની ગયો છે. તેણે મહેન્દ્રસિંહ ધોની અને મંસૂર અલી ખાન પટૌડીને પાછળ રાખ્યા હતા. તેઓ 3-3 મેચ જીત્યા હતા.


ભારતીય ટીમ કેલેન્ડર યર 2018માં એશિયાની બહાર ચાર મેચ જીતી છે, જે એક રેકોર્ડ છે. આ પહેલા 1968માં ત્રણ મેચો જીતી હતી. ભારતે ત્રણ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.


આ જીત સાથે સુકાની વિરાટ કોહલીએ વિદેશમાં સૌરવ ગાંગુલીના 11 ટેસ્ટ જીતવાની બરાબરી કરી લીધી છે. સૌરવે 28 અને વિરાટે 24 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની 6 જીત (30 મેચ) સાથે ત્રીજા નંબરે છે.


ભારતે 2018માં દક્ષિણ આફ્રિકાને જોહાનિસબર્ગમાં, ઇંગ્લેન્ડને ટ્રેન્ટ બ્રિજમાં અને ઓસ્ટ્રેલિયાને એડિલેડ અને મેલબોર્નમાં હરાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે પૂજારાએ દરેક ટેસ્ટમાં 50થી વધારે રન બનાવ્યા છે.


ટીમ ઇન્ડિયાએ બીજી વખત ઓસ્ટ્રેલિયામાં શ્રેણીમાં બે મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે આમ કરનારી એશિયાની પ્રથમ ટીમ બની છે. વિરાટ કોહલીની ટીમ ચાર મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. જ્યારે 1977-79માં બિશન સિંહ બેદીની ટીમે બે મેચ જીતી હતી. 41 વર્ષ પછી આમ બન્યું છે


બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતમી 137 રનની જીતમાં હીરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. તે ઇરફાન પઠાણ પછી ફક્ત બીજો બોલર છે જે ઓસ્ટ્રેલિયામાં જીતેલી મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો છે.


ભારતે બોક્સિંગ ડે ટેસ્ટમાં જીત સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 150મો વિજય મેળવ્યો છે. 384 જીત સાથે ઓસ્ટ્રેલિયા નંબર વન છે. આ સિવાય ઇંગ્લેન્ડ 364, વેસ્ટ ઇન્ડીઝ 171 અને દક્ષિણ આફ્રિકા 162 મેચ જીત્યું છે.