

ભારતીય ટ્રાન્સ સેક્સુઅલ મહિલા નાઝ જોષીએ દેશનું નામ રોશન કર્યુ છે. ત્રીજી વખત તેણે આ તાજ જીત્યો છે. મિસ વર્લ્ડ ડાયવર્સિટીનો તાજ નાઝે 3 ઓગષ્ટ 2019નાં રોજ મોરેશિયસનાં પોર્ટ લ્યુઇસમાં જીત્યો હતો.


આ વિશે વાત કરતાં નાઝે કહ્યું હતું કે, 'તાજ જીતવાથી સમાજ પ્રત્યેની મારી શક્તિ અને જવાબદારીમાં વધારો થયો છે. મારી જવાબદારી ખુબજ વધી ગઇ છે. મારો ઉદ્દેશ ટ્રાન્સજેન્ડરને મુખ્યધારામાં લાવવા માટે કામ કરવાનો છે. હું ઇચ્છુ છું કે લોકો અમને કોઇપણ પ્રકારની આભડછેટ વગર સમાજમાં માન આપે.'


આ પહેલાં નાઝ વર્ષ 2017 અને 2018માં પણ મિસ વર્લ્ડ ડાયવર્સિટીનો તાજ જીતી ચુકી છે. નાઝે મોરેશિયસમાં અન્ય 14 ઇન્ટરનેશનલ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો છે. તેણે આ કોન્ટેસ્ટનાં ફિનાલે રાઉન્ડમાં તેનો ટ્રેડિશનલ બ્લૂ લહેંગા-ચોલી દાન કર્યો હતો. તે પોતાને હિન્દુ ભગવાન 'શક્તિ'નું રૂપ ગણાવે છે. અને મહિલા માટે કામ કરે છે.


નાઝ જન્મથી જ ટ્રાન્સ જેન્ડર છે. તે મૂળ નવી દિલ્હીનાં માલવિય નગરની રહેવાસી છે. તેને તેનાં પરિવારે મુંબઇમાં તેમનાં એક સંબંધીને ત્યાં મોકલી દીધી હતી કારણ કે તેઓ તેની સેક્સુઆલિટી અંગે જાણીને ખુબજ હતપ્રત થઇ ગયા હતાં.


નાઝે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલાં એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, 'અમને સમાજમાં ઘણું સહન કરવું પડે છે. અમારા પોતાનાં ઘર પરિવારમાં પણ. એવું ન હતું કે મારા માતા-પિતા મને પ્રેમ નહોતા કરતાં. પણ તેઓ એક પ્રકારનાં પ્રેશર હેઠળ<br />હતાં. તેમને અમારા સમાજ આડોશ પાડોશનો ડર હતો. તેને કારણે જ મને મારા એક નજીકનાં સંબંધીને ત્યાં મોકલી દેવામાં આવી હતી જ્યારે હું સાત વર્ષની હતી.'