કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દ્વાર ખુલ્યાંને આજે ત્રણ દિવસ થયા છે તેમ છતાં હજી પણ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિન્દુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓને પ્રવેશતા રોકવામાં આવી રહી છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનું વાતાવરણ છે. આજે પણ કેરળની મહિલા એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા અને હૈદરાબાદની જર્નાલિસ્ટ કવિથા જક્કાલે પોલીસે સુરક્ષા આપી અને હેલ્મેટ પહેરાવીને મંદિરમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાં હાજર ભક્તો અને પૂજારીના વિરોધીની વચ્ચે તે બંન્નેને પરત ફરવુ પડ્યું હતું.
આ બે મહિલાઓમાંથી 31 વર્ષની રેહાના માટે કોઇ વિવાદ સાથે સંકળાવવું તે કંઇ પહેલીવારનું ન હતું. તે આ વર્ષના માર્ચ મહિનામાં પણ સમાચારોમાં હતી. ત્યારે કોઝીકોડના એક પ્રોફેસરે કહ્યું હતું કે મહિલાઓએ તેમના વોટરમેલન જેવા સ્તન સંતાડવા જોઇએ. ત્યારે તેણે પોતાના સોશિયલ મીડિયામાં તડબૂચથી સ્તનને ઢાંકેલો ફોટો અપલોડ કર્યો હતો. તેણે આ અપલોડ કર્યાના થોડા જ કલાકોમાં ખરાબ કોમેન્ટ્સને કારણે આ ઇમેજ ઉતારી લીધી હતી.