

વિરાટ કોહલીએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે તે કેમ દુનિયાનો નંબર વન બેટ્સમેન છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી વન-ડેમાં વિરાટ કોહલીએ પોતાના વન-ડે કારકિર્દીની 43મી સદી ફટકારી હતી. વિરાટે અણનમ 114 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાને 6 વિકેટે જીત અપાવી હતી. વિરાટે શ્રેયસ ઐયર સાથે મળીને 120 રનની ભાગીદારી કરી ટીમ ઇન્ડિયાને 2-0થી શ્રેણી જીતાડી હતી. શતકીય ઇનિંગ્સમાં વિરાટે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તેના ઉપર એક નજર કરીએ.


20 હજાર રન - એક દશકમાં 20 હજાર ઇન્ટરનેશનલ રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. કોહલીએ વિન્ડીઝ સામે શતકીય ઇનિંગ્સ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા રેકોર્ડ રિન્કી પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે 2000ના દશકમાં 18962 રન બનાવ્યા હતા. જોકે કોહલીએ 20 હજાર રન બનાવી ઇતિહાસ રચી દીધો છે.


સૌથી ઝડપી 10 હજારી કેપ્ટન - વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન પણ પૂરા કર્યા છે. કોહલીએ 176 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા રેકોર્ડ પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે 225 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.


કેપ્ટન તરીકે 21મી સદી - વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 21મી સદી ફટકારી હતી. તે હવે પોન્ટિંગની બરાબરી કરવાથી ફક્ત એક સદી દૂર છે. પોન્ટિંગે 220 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી છે. જ્યારે કોહલીએ ફક્ત 76 મેચમાં 21 સદી ફટકારી દીધી છે.


વિન્ડીઝમાં સદીની હેટ્રિક - વિરાટ કોહલીએ આ વન-ડે શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી છે. આ કારણે વિન્ડીઝમાં તેની આ સતત ત્રીજી સદી છે. વિરાટે 2017માં કિંગ્સટન વન-ડેમાં પણ અણનમ 111 રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી ત્રિનિદાદમાં સતત બે સદી ફટકારી છે. વિન્ડીઝમાં સતત ત્રણ સદી ફટકારનાર તે દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.